Turkey After the Earthquake : ભયાનક ભૂકંપે તુર્કી અને સીરિયામાં રીતસરનો હાહાકાર મચાવ્યો છે. તુર્કી અને સીરિયા માટે આ સમય શોકનો સમય છે. હજારો લોકો મોત નિપજાવનાર ભૂકંપે બંને દેશોમાં એટલી બધી તબાહી મચાવી છે કે તેની ગણતરી કરી કરીને પણ થાકી જવાય. બંને દેશોમાં થઈને મૃત્યુઆંક 26 હજારને વટાવી ગયો છે. બંને દેશોમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સ્થિતિ એ હદે વકરી છે કે, મૃતદેહોને દફનાવવા માટે હવે જમીન ઓછી પડી રહી છે. 


બચાવ કાર્યમાં જોતરાયેલા બચાવકર્મીઓએ મૃતકોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરી છે. બચાવકર્મીઓનો દાવો છે કે, સેંકડો પરિવારો હજુ પણ ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે. તુર્કીના 10 પ્રાંતોને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં 10,000 ઈમારતો ધરાશાયી થઈ છે. જ્યારે એક લાખ ઈમારતોને નુકસાન થયું છે.


તુર્કીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉભા થતા પ્રશ્નો


તબાહી વચ્ચે નિષ્ણાતોએ જણાવ્યું છે કે, તુર્કીમાં ધરાશાયી થયેલી દરેક 10 ઈમારતોમાંથી એક નવી હતી જેનું નિર્માણ 2007 પછી કરવામાં આવ્યું હતું. તુર્કીમાં ઈમારતોના મોટા પાયે ધરાશાયી થવાથી ત્યાંની ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. તુર્કીના ઓસ્માનિયામાં દ્રશ્ય એવું છે કે, રસ્તાઓ પર જ અનેક શબપેટીઓ દેખાય છે. ઉસ્માનિયામાં એટલી મોટી સંખ્યામાં મૃતદેહો છે કે, તેમને દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા ઓછી પડી રહી છે.


ધરતીકંપના ઝાટકા હજી પણ યથાવત


ઉલ્લેખનીય છે કે, 6 ફેબ્રુઆરીએ સ્થાનિક સમય મુજબ સવારે 4.17 વાગ્યે તુર્કી અને સીરિયામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 18 કિલોમીટર નીચે હતું. આ ધ્રુજારીના આંચકાઓની થોડી મિનિટો બાદ ફરીથી રિક્ટર સ્કેલ પર 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યાર બાદ લગભગ નવ કલાક પછી બપોરે 1.24 વાગ્યે જ્યારે લોકો ભૂકંપના કારણે થયેલા નુકસાનનો હિસાબ લઈ રહ્યા હતા અથવા આ દુર્ઘટનામાં તેમના પ્રિયજનોના મૃત્યુનો શોક વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે ત્રીજી વખત રિક્ટર સ્કેલ પર 7.5ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યોહતો. જેના કારણે દેશ હચમચી ગયો હતો. રિક્ટર સ્કેલ પર તીવ્ર ભૂકંપ બદ તે જ વિસ્તારમાં ઘણા દિવસો અથવા વર્ષો સુધી ધરતીકંપના નાના આંચકાઓને આફ્ટરશોક્સ કહેવામાં આવે છે.


WHOના વડા પહોંચ્યા સીરિયા 


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ સીરિયાના ભૂકંપગ્રસ્ત શહેર અલેપ્પો પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેમણે પોતે તબાહીના દ્રશ્યો જોયા હતાં. 


ભારત મદદ માટે અડીઝમ ઉભુ


આ તબાહી બાદ દુનિયાના તમામ દેશો તુર્કી અને સીરિયાની મદદ માટે ખભે ખભા મિલાવીને ઉભા છે. ભારત સહિત ઘણા દેશોએ બચાવ માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પોતાની ટીમ મોકલી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આવા મુશ્કેલ સમયમાં ટ્વીટ કરીને તુર્કીને મદદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને તુર્કીને મદદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ભારત આ પડકારજનક ક્ષણમાં પોતાની એકતા વ્યક્ત કરે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે, ભારત આ મુશ્કેલ સમયમાં તુર્કીના લોકો સાથે એકતામાં ઉભું છે. ભારતીય વાયુસેનાના પ્રથમ C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ કર્મચારીઓનું એક જૂથ, ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ, ડ્રિલિંગ મશીન, રાહત સામગ્રી અને દવાઓ ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી છે. બીજું IAF એરક્રાફ્ટ બપોરના સુમારે સમાન માલ સાથે તુર્કી મોકલવામાં આવ્યું હતું.


જયશંકરે થોડા દિવસો પહેલા ટ્વીટ કર્યું હતું કે, 50 થી વધુ NDRF સર્ચ અને બચાવ કર્મચારીઓ, ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ્સ, ડ્રિલિંગ મશીનો, રાહત સામગ્રી, દવાઓ અને અન્ય આવશ્યક ઉપયોગિતાઓ અને સાધનો સાથેની પ્રથમ ભારતીય C17 ફ્લાઇટ અદાના આવી પહોંચી છે. અદાના 7.8 તીવ્રતાના ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે.


ઑસ્ટ્રિયાએ હાથ પાછા ખેંચી લીધા


તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપ બાદથી બચાવ કામગીરી ચાલી રહી છે. આ સ્થિતિમાં ઓસ્ટ્રિયાની સેનાએ સુરક્ષાને ટાંકીને બચાવ અભિયાનને સ્થગિત કરી દીધું છે. હકીકતે અહીં કેટલીક અથડામણો થઈ હતી જેના કારણે ઓસ્ટ્રિયા તેની સેનાને લઈને ચિંતિત હતું અને તેણે મિશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.