Turkey-Syria Earthquake Live: તુર્કીમાં વિનાશક ભૂકંપ બાદ 435 આંચકા અનુભવાયા, મૃત્યુઆંક 8 હજારને પાર
Turkey-Syria Earthquake Updates: તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ દુનિયાના દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે, રાહત અને બચાવ કાર્ય માટે કુલ 70 દેશોની ટીમો તુર્કી પહોંચી છે.
વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું, #OperationDost હેઠળ, ભારત તુર્કી અને સીરિયામાં શોધ અને બચાવ ટીમો, એક હોસ્પિટલ, સામગ્રી, દવાઓ અને સાધનો મોકલી રહ્યું છે. આ એક ચાલુ કામગીરી છે અને અમે અપડેટ્સ પોસ્ટ કરીશું.
30 દેશોના સંગઠન નાટોએ તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે ધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો છે. નાટોના 1400થી વધુ સભ્યો ભૂકંપગ્રસ્ત દેશની સહાય માટે આવ્યા છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ રીલીફ ટીમ તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપમાં સેવામાં જવા માટે ત્યાંના લોકોના વ્હારે આવી છે. નર્સિંગ એસોસિએશનના ઈકબાલ કડીવાલા સહિતના 75 જેટલા વ્યક્તિઓની ટીમ સરકાર જ્યારે પણ આદેશ આપે તે સમયે તુર્કીમાં જઈને લોકોની સેવા માટે જવા તૈયાર છે.
તુર્કી અને સીરિયામાં ભૂકંપ બાદ બચાવ કાર્યકર્તાઓ હજુ પણ ફસાયેલા બચી ગયેલાઓને શોધી રહ્યા છે, જોકે ખરાબ વાતાવરણના કારણે બચાવકાર્યમાં વિક્ષેપ પડી રહ્યો છે.
રસાયણો અને અન્ય જ્વલનશીલ પદાર્થોથી ભરેલા વિશાળ કન્ટેનર તુર્કીના ઇસ્કેન્ડરન બંદર પર રમકડાની જેમ ઉછળીને પલટી ગયા હતા. જે બાદ ત્યાં આગ લાગી હતી.
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 8300 પર પહોંચ્યો છે. સીરિયામાં 2400 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ આ માહિતી આપી છે.
ભૂકંપમાં તુર્કીની ઐતિહાસિક મસ્જિદ પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. તુર્કીના માલત્યા શહેરમાં સ્થિત આ ઐતિહાસિક યેની કામી મસ્જિદ ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. આ મસ્જિદ 100 વર્ષથી વધુ જૂની હતી પરંતુ ભૂકંપના કારણે તે નષ્ટ થઈ ગઈ છે. તેની સાથે 100 વર્ષનો ઇતિહાસ જોડાયેલો હતો જે હવે કાટમાળમાં દટાયેલો છે.
હજારો લોકો હજુ પણ કાટમાળ નીચે મોત સામે લડી રહ્યા છે. તેમનું બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. લોકો આખી રાત તેમના પ્રિયજનોને શોધતા રહ્યા. હાથ વડે માટી કાઢતા રહ્યા. કાટમાળ નીચે મોટી સંખ્યામાં લોકો જીવિત હોઈ શકે છે, જેના કારણે રેસ્ક્યુ ટીમને પણ ખૂબ જ સાવધાનીથી કામ કરવું પડે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે વાયુસેનાએ કુલ ચાર એરક્રાફ્ટ તુર્કીએ (તુર્કી) મોકલ્યા છે. ચોથું વિમાન ફિલ્ડ હોસ્પિટલના બાકીના ભાગ સાથે તુર્કીએ (તુર્કી) માટે રવાના થયું. આમાં ભારતીય સેનાની તબીબી ટીમના 54 સભ્યો તેમજ સુવિધા સ્થાપિત કરવા માટે તબીબી અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કર્યું, "6 ટન કટોકટી રાહત સહાય વહન કરતું IAF વિમાન સીરિયા માટે રવાના થયું. માલસામાનમાં જીવન બચાવતી દવાઓ અને કટોકટી તબીબી પુરવઠો સામેલ છે. ભારત આ દુર્ઘટનાથી સૌથી વધુ અસરગ્રસ્ત લોકો સાથે એક થઈને ઉભું છે."
અલ-સુવાડી નામના એક વ્યક્તિએ એએફપી સમાચાર એજન્સીને જણાવ્યું, "અમે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે અમને અવાજ સંભળાયો. અમે ધૂળ સાફ કરી અને નાળ સાથેનું બાળક જીવતું મળ્યું. મારા પિતરાઈ ભાઈ તેને હોસ્પિટલ લઈ ગયા. બાળકની સ્થિરિ હાલમાં સારી છે."
બ્રેકગ્રાઉન્ડ
Turkey-Syria Earthquake Updates: 6 ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં આવેલા 7.7 તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં કુલ 8000 થી વધુ લોકોના મોત થયા છે. ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ પડી ગઈ છે.
તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે 6 ફેબ્રુઆરીએ કહરામનમારા વિસ્તારમાં 7.7 તીવ્રતાના ભૂકંપ પછી અત્યાર સુધીમાં કુલ 435 ભૂકંપ નોંધાયા છે. તેમણે કહ્યું કે ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્ય માટે અત્યાર સુધીમાં કુલ 60,217 કર્મચારીઓ અને 4,746 વાહનો અને બાંધકામ સાધનો તૈનાત કરવામાં આવ્યા છે.
દુનિયા ભરના દેશો લંબાવ્યો મદદનો હાથ
તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ દુનિયાના દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે, રાહત અને બચાવ કાર્ય માટે કુલ 70 દેશોની ટીમો તુર્કી પહોંચી છે. પરંતુ તુર્કીનું ખરાબ હવામાન રાહત અને બચાવમાં અવરોધ બની રહ્યું છે.
ભારતે મદદ મોકલી
તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ ભારતે પણ તુર્કી તરફ મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે રાહત સામગ્રી, સાધનસામગ્રી અને સૈન્ય કર્મચારીઓને લઈને ચાર C-17 વિમાન મોકલ્યા હતા. 108 ટનથી વધુ વજનના રાહત પેકેજ તુર્કી મોકલવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -