બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે ઇઝરાયલને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે જો ઇઝરાયલ ગાઝામાં યુદ્ધવિરામ અને શાંતિ માટે નક્કર અને સ્પષ્ટ પગલાં નહીં ભરે તો બ્રિટન સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ગાઝામાં ઇઝરાયલી કાર્યવાહી અંગે વૈશ્વિક ચિંતા સતત વધી રહી છે.

વડાપ્રધાન સ્ટાર્મરે એક સમર કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ નિર્ણય લીધો હતો, જેમાં તેમણે મંત્રીઓને ગાઝામાં બગડતી માનવતાવાદી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો ઇઝરાયલી સરકાર વેસ્ટ બેન્કમાં કોઈપણ નવી વસાહતોના બાંધકામ અથવા અતિક્રમણને રોકવા, ગાઝામાં યુદ્ધવિરામ લાગુ કરવા અને બે-રાષ્ટ્ર ઉકેલ માટે ગંભીર વાટાઘાટો શરૂ કરવા જેવા જરૂરી પગલાં નહીં લે તો બ્રિટન પેલેસ્ટાઇનને એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્વીકારશે.

વડાપ્રધાન સ્ટાર્મરે આ નિર્ણય પહેલા ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર પણ વાત કરી હતી, જેની પુષ્ટી એક વરિષ્ઠ બ્રિટિશ અધિકારી દ્વારા કરવામાં આવી છે. આ વાતચીતને તણાવપૂર્ણ ગણાવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે તેમનો દેશ સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઇનને માન્યતા આપશે જેના કારણે બ્રિટન પર રાજદ્વારી દબાણ પણ આવ્યું છે. બ્રિટન લાંબા સમયથી બે-રાષ્ટ્ર સિદ્ધાંતને ટેકો આપતું આવ્યું છે, પરંતુ અત્યાર સુધી તે માન્યતાને કોઈ કરાર સાથે જોડતું રહ્યું છે. વર્તમાન પરિસ્થિતિમાં આ વલણ બદલાયું છે.

બ્રિટનના આ પગલાને પશ્ચિમ એશિયાના રાજકારણમાં નિર્ણાયક વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. આનાથી ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય દબાણ વધશે. સાથે સાથે ગાઝામાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન સામે પશ્ચિમી દેશોના વ્યૂહાત્મક મૌન તોડવાનો સંકેત પણ છે.