Russia-Ukraine War Live Update : બેલારુસ બોર્ડર પર બેઠક સમાપ્ત, યુક્રેને યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી કરી આ મોટી માંગ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ UNGA ખાતે યુક્રેન પર કટોકટી વિશેષ સત્ર બોલાવવાનું નક્કી કર્યું છે

gujarati.abplive.com Last Updated: 28 Feb 2022 07:58 PM
રશિયા-યુક્રેન બેઠક સમાપ્ત

બેલારુસ સરહદ પર સોમવારે યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. યુદ્ધની વચ્ચે આ શાંતિ મંત્રણા દરમિયાન યુક્રેને રશિયાની સામે મોટી માંગ કરી અને કહ્યું કે રશિયાએ યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જોઈએ. આ સાથે એવી માંગ પણ કરવામાં આવી હતી કે રશિયાએ ક્રિમિયા અને ડોનબાસમાંથી પણ પોતાની સેના હટાવી લેવી જોઈએ.

યુક્રેને આ વાત રશિયા સામે રાખી

 


રશિયા સાથેની વાતચીત દરમિયાન યુક્રેને તમામ રશિયન સૈનિકોને પાછા ખેંચવાની માંગ કરી છે. ઝેલેન્સકીના કાર્યાલયે આ માહિતી આપી છે. ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે મીટિંગ દરમિયાન એવી માંગ પણ કરવામાં આવી છે કે રશિયાએ ક્રિમિયા અને ડોનબાસમાંથી પણ પોતાની સેના હટાવી લેવી જોઈએ.

યુક્રેનિયન પ્રતિનિધિમંડળ બેલારુસથી Mi-8MTV-5 લશ્કરી પરિવહન હેલિકોપ્ટર દ્વારા શાંતિ વાટાઘાટો માટે બેલારુસ સરહદે પહોંચ્યું છે. રશિયા સાથે યુક્રેનની વાતચીત શરૂ થઈ ગઈ છે.


 

આ દેશના નાગરિકો યુક્રેનમાં રશિયા સામે લડવા જઇ શકે છે

યુદ્ધની વચ્ચે યુરોપિયન દેશ Latviaની સંસદે એક ઠરાવ પસાર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો Latviaના સામાન્ય લોકો યુક્રેનમાં જઈને લડવા ઈચ્છે છે તો તેઓ જઈ શકે છે. તમને જણાવી દઈએ કે લાતવિયા નાટોનું સભ્ય છે

યુક્રેનનું પ્રતિનિધિમંડળ વાતચીત માટે બેલારુસ પહોંચ્યું

યુદ્ધ વચ્ચે યુક્રેન અને રશિયામાં વાતચીત શરૂ થઈ છે. ન્યૂઝ વેબસાઈટ સ્પુટનિકના જણાવ્યા અનુસાર યુક્રેનથી જે પ્રતિનિધિમંડળ વાટાઘાટો માટે નીકળ્યું હતું તે બેલારુસ પહોંચી ગયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે બેલારુસ બોર્ડર પર રશિયા-યુક્રેન મંત્રણા થઈ શકે છે.

ચાર મંત્રી યુક્રેનના પાડોશી દેશ જશે

યુક્રેન સંકટ પર પીએમ મોદીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાર મંત્રીઓને યુક્રેનના પડોશી દેશોમાં મોકલવામાં આવશે, જેઓ ભારતીય લોકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરશે. જે મંત્રીઓ મોકલવામાં આવી રહ્યા છે તેમાં હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજુ અને જનરલ વીકે સિંહનો સમાવેશ થાય છે.

યુક્રેન રશિયન સેના સામે ઝૂકવા તૈયાર નથી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો પાંચમો દિવસ છે. પરંતુ યુક્રેન રશિયન સેના સામે ઝૂકવા તૈયાર નથી. યુક્રેનની સેનાએ ડ્રોન વડે રશિયાની મિસાઈલ સિસ્ટમને નિશાન બનાવી છે. યુરોપીયન નાગરિકતાના મામલે રશિયાને મોટો આંચકો લાગ્યો છે. યુરોપિયન યુનિયને રશિયન નાગરિકોને રોકાણથી મળનારી યુરોપિયન નાગરિકતા મેળવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

રશિયન સૈનિકોએ વિશ્વના સૌથી મોટા વિમાનને તોડી પાડ્યું

વિશ્વના સૌથી મોટા વિમાનને રશિયન સૈનિકોએ કિવ નજીકના એક એરફિલ્ડમાં તોડી પાડ્યું હતું. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. વાસ્તવમાં AN-225 'Mriya' જેને યુક્રેનમાં 'ડ્રીમ' કહેવામાં આવે છે તે યુક્રેનિયન એરોનોટિક્સ કંપની એન્ટોનોવ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેની ગણતરી વિશ્વના સૌથી મોટા કાર્ગો એરક્રાફ્ટ તરીકે કરવામાં આવી હતી. રશિયન ગોળીબારના કારણે કિવની બહાર હોસ્ટોમેલ એરપોર્ટ પર વિમાન બળીને ખાખ થઈ ગયું હતું.

રશિયા સામે કોઇ પણ ભોગે આત્મસમર્પણ નહી કરે યુક્રેન

રશિયન સેનાએ કીવને ચારેય તરફથી ઘેર્યાને યુક્રેનની સરકારે સ્વીકાર કર્યો હતો. યુક્રેને કહ્યું કે તે રશિયા સામે કોઇ પણ ભોગે આત્મસમર્પણ નહી કરે. રશિયાના 4300 સૈનિકો માર્યાનો  યુક્રેને દાવો કર્યો હતો. યુક્રેને કહ્યું કે રશિયાની 146 ટેન્ક, 27 પ્લેન, 26 હેલિકોપ્ટરનો નાશ કરવામાં આવ્યો છે.

યુક્રેનનો દાવો છે કે રશિયન હુમલામાં 14 બાળકો સહિત 352 લોકોના મોત થયા

યુક્રેનના ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રશિયન હુમલામાં 352 યુક્રેનિયન માર્યા ગયા છે. જેમાં 14 બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 116 બાળકો સહિત 1684 લોકો ઘાયલ થયા છે. જો કે મંત્રાલયે યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોનો આંકડાવિશે માહિતી આપી નહોતી. રશિયાએ દાવો કર્યો છે કે તેઓ ફક્ત યુક્રેનની સૈન્ય સંસ્થાઓ પર હુમલો કરી રહ્યા છે. યુક્રેનના લોકોને કોઈ ખતરો નથી.


 

બ્રેકગ્રાઉન્ડ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દિવસે ને દિવસે સ્થિતિ બદલાઈ રહી છે. રશિયાએ ન્યુક્લિયર ડેટરેન્ટ ફોર્સને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. ન્યુક્લિયર મોનિટરિંગ એજન્સી એક બેઠક યોજશે, જેમાં 35 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. અમેરિકાએ રશિયાના આ પગલાને સંયુક્ત રાષ્ટ્રમાં અસ્વીકાર્ય ગણાવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે તે યુક્રેનમાં રશિયન સૈન્ય કાર્યવાહીને રોકવાના પ્રયાસો ચાલુ રાખશે.


આ બધાની વચ્ચે રશિયા અને  યુક્રેન વાતચીત  માટે તૈયાર થયા છે. યૂક્રેનનું પ્રતિનિધિમંડળ બેલારૂસ રવાના થયા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ રવિવારે બેલારુસના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી હતી. તેઓએ બેલારુસના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ રશિયા સાથે બિનશરતી વાતચીત માટે તૈયાર છે. રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો વાતચીત માટે નિર્ધારિત સ્થળે પહોંચવાનું શરૂ કરી દીધું છે. જો કે હજુ સુધી વાતચીત શરૂ થઈ નથી.


જોકે, રશિયા તરફથી કહેવામાં આવ્યું કે તેઓ વાતચીત માટે હુમલાઓ બંધ નહીં કરે. રશિયાના રાષ્ટ્રપતિએ પણ સંરક્ષણ મંત્રાલયને ન્યુક્લિયર ડિટરન્ટ ફોર્સને હાઈ એલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો છે.


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ UNGA ખાતે યુક્રેન પર કટોકટી વિશેષ સત્ર બોલાવવાનું નક્કી કર્યું છે. આ સંદર્ભમાં, 15 સભ્ય દેશોમાંથી 11 દેશોએ તરફેણમાં મતદાન કર્યું જ્યારે માત્ર રશિયાએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ચીન, ભારત અને સંયુક્ત આરબ અમીરાતે મતદાનમાં ભાગ લીધો ન હતો. અમેરિકાના સમયાનુસાર, UNGA પ્રમુખ અબ્દુલ્લા શાહિદ 28 ફેબ્રુઆરી 2022ના રોજ સવારે 10 વાગ્યે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં મહાસભાના 11મા વિશેષ સત્રની અધ્યક્ષતા કરશે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.