યુક્રેનની મિલિટરી ઈન્ટેલિજન્સ એજન્સીએ સોમવારે દાવો કર્યો હતો કે રશિયાના કુર્સ્ક બોર્ડર વિસ્તારમાં યુક્રેનની સેના સાથેની લડાઈમાં ઉત્તર કોરિયાના લગભગ 30 સૈનિકો માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે. એક એજન્સીએ ટેલિગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું કે ઉત્તર કોરિયાના સૈનિકો કુર્સ્કના ત્રણ ગામોની આસપાસ માર્યા ગયા હતા.
કુર્સ્ક એ સરહદી વિસ્તાર છે જ્યાં રશિયા છેલ્લા ચાર મહિનાથી કબજો જમાવી રહેલી યુક્રેનની સેનાને બહાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એજન્સીએ જણાવ્યું કે ઉત્તર કોરિયાના ઓછામાં ઓછા ત્રણ સૈનિક કુર્સ્કના અન્ય એક ગામ પાસે ગુમ થયા છે.
ઉત્તર કોરિયાના સૈનિકોનું મૃત્યુ
યુક્રેનિયન દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટી થઇ શકી નથી. લગભગ ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ઉત્તર કોરિયાના સૈનિકોના મોતના આ પ્રથમ સમાચાર છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ દાવાઓ સાથે સંબંધિત સવાલ રશિયન સંરક્ષણ મંત્રાલયને મોકલ્યા છે. જોકે હજુ સુધી કોઈ ટિપ્પણી પ્રાપ્ત થઈ નથી.
યુદ્ધ માટે રશિયાનું સમર્થન
યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ અને યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાએ યુદ્ધમાં મદદ માટે લગભગ 10,000 સૈનિકો રશિયા મોકલ્યા છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પરસ્પર સંરક્ષણ કરાર હેઠળ યુદ્ધ માટે રશિયાને સમર્થન આપવાનું વચન આપ્યું હતું. યુક્રેનના અધિકારીઓએ 5 નવેમ્બરના રોજ જણાવ્યું હતું કે યુક્રેનિયન સુરક્ષા દળોએ તાજેતરમાં રશિયાની મદદ માટે તૈનાત ઉત્તર કોરિયાના સૈનિકોનો સામનો પહેલીવાર કર્યો હતો.
ઉત્તર કોરિયાના સૈનિકો માર્યા ગયા
પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી મેજર જનરલ પેટ રાયડરે કહ્યું કે કુર્સ્કમાં યુદ્ધમાં ઉત્તર કોરિયાના કેટલાક સૈનિકો માર્યા ગયા છે, પરંતુ માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા આપવામાં આવી નથી. તે સૈનિકોનો ઉપયોગ મુખ્યત્વે પાયદળની ભૂમિકામાં કરવામાં આવ્યો હતો અને લગભગ એક અઠવાડિયા પહેલા યુદ્ધ અભિયાનમાં જોડાયા હતા.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે કહ્યું કે યુરોપ અને એશિયામાં અમેરિકન મિસાઈલોની તૈનાતી નવા જોખમો લઈને આવી છે. પુતિને ટોચના સૈન્ય અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું હતું કે વધતા ભૌગોલિક રાજકીય તણાવને જોતા આપણે રશિયા અને અમારા સહયોગીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વધારાના પગલાં લેવા જોઈએ. જો કે, લશ્કરી વિશ્લેષકો કહે છે કે ભાષાના અવરોધે રશિયન અને ઉત્તર કોરિયાના સૈનિકો વચ્ચે વોર કોઓર્ડિનેશનને વધુ ખરાબ કર્યું છે.
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ