Ukraine Attack On Russia: યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે, જેમાં રશિયાની અંદર સાઇબિરીયામાં એક લશ્કરી થાણાને નિશાન બનાવવામાં આવ્યું છે. યુક્રેનિયન ડ્રોન દ્વારા ઓછામાં ઓછા 40 રશિયન વિમાનો પર હુમલો કરવામાં આવ્યો છે. ઈરકુત્સ્ક  પ્રદેશના રશિયન ગવર્નરે હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે યુક્રેનિયન રિમોટ-પાયલટ વિમાને શ્રીદની ગામમાં એક લશ્કરી એકમ પર હુમલો કર્યો, જે સાઇબેરીયામાં આ પ્રકારનો પહેલો હુમલો છે.            

યુક્રેનિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે યુક્રેનની સુરક્ષા સેવા (SBU) દ્વારા હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં રશિયન ફેડરેશનની પાછળ સ્થિત એરપોર્ટ પર 40 થી વધુ રશિયન વિમાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં ઓલેન્યા અને બેલાયા એરપોર્ટનો પણ સમાવેશ થાય છે.     

કયા વિમાનોને નષ્ટ કરવામાં આવ્યા હતા ?

કિવ ઇન્ડિપેન્ડન્ટના એક અહેવાલમાં, સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે નષ્ટ થયેલા વિમાનોમાં ટીયૂ-95 અને ટીયૂ-22એમ3 બોમ્બર્સ તેમજ ઓછામાં ઓછું એક A-50 એરબોર્ન અર્લી વોર્નિંગ વિમાનનો સમાવેશ થાય છે. આરટીના અહેવાલ મુજબ, લશ્કરી અને નાગરિક પ્રતિક્રિયા ટીમો પહેલાથી જ ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે અને ડ્રોન લોન્ચ સોર્સને બ્લોક કરવામાં આવ્યા છે.

રશિયન સૈન્યને ગંભીર નુકસાન પહોંચાડવાનો દાવો 

આ હુમલો રશિયાની અંદર યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાઓની શ્રેણીનો એક ભાગ છે, જેણે અગાઉ અન્ય રશિયન એરબેઝ પર હુમલો કર્યો છે. આ હુમલાથી રશિયાની લશ્કરી ક્ષમતાને ગંભીર નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવે છે. આ ડ્રોન હુમલો યુક્રેનની નવી લશ્કરી વ્યૂહરચનામાં એક મહત્વને દર્શાવે છે.       

રશિયા-યુક્રેન યુદ્ધ ક્યારે શરૂ થયું ?

બંને દેશો વચ્ચે યુદ્ધ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ શરૂ થયું. જ્યારે રશિયાએ યુક્રેન પર સંપૂર્ણ પાયે લશ્કરી આક્રમણ શરૂ કર્યું. આ હુમલો અચાનક નહોતો, પરંતુ 2014 માં શરૂ થયેલા સંઘર્ષનું પરિણામ હતું, જ્યારે રશિયાએ યુક્રેનના ક્રિમીઆ દ્વીપકલ્પને પોતાના કબજામાં લીધું હતું.