Ukraine- Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સકીએ હવે યુક્રેન છોડી દીધું હોવાનો દાવો થઈ રહ્યો છે. યુક્રેનના પૂર્વ રાજદ્વારી દિપક વોરાએ કહ્યું છે કે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુક્રેન છોડી દીધું છે. અત્યાર સુધી યુદ્ધમાં રશિયાને ટક્કર આપી રહેલા ઝેલેન્સકીએ હવે દેશ છોડતાં આ યુદ્ધના પરિણામમાં મોટો વળાંક આવ્યો છે. આ તરફ યુક્રેને દાવો કરતાં કહ્યું છે કે, અમારા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ દેશ નથી છોડ્યો. બીજી તરફ યુક્રેન કહી રહ્યું છે કે, તેમના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને સલામત સ્થળે ખસેડાયા છે. હાલ યુક્રેન પર હવાઈ હુમલો થવાની પુરી શક્યતા સેવાઈ રહી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
9/11 સાથે તુલનાઃ
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેના બધી રીતે યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. રશિયા તેની પાસે રહેલા આધુનિક હથિયારો, બોમ્બ, મિસાઈલનો ઉપયોગ કરીને યુક્રેનને હંફાવી રહ્યું છે. આ વચ્ચે યુક્રેનની રાજધાની કીવમાં એક બિલ્ડીંગ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આ હુમલા બાદ યુક્રેનના ગૃહમંત્રાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં યુક્રેનના ગૃહમંત્રાલયે રશિયાએ કરેલા હુમલાની તુલના એમેરિકામાં થયેલા 9/11ના હુમલા સાથે કરી હતી.
અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર પર આતંકવાદીઓએ હુમલો કરીને ટાવરને તોડી પાડ્યા હતા. કીવમાં આવેલી આવી જ એક ઈમારત પર રશિયાએ હુમલો કરતાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર જેવી હાલત હોય તેવા ફોટો યુક્રેનના ગૃહમંત્રાલયે પોસ્ટ કર્યા છે.
યુક્રેનનો રશિયાને વળતો જવાબઃ
છેલ્લા ત્રણ દિવસોથી સતત રશિયા યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. રશિયાની સેનાએ અત્યાર સુધી યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં મિસાઈલો અને બોમ્બનો મારો ચલાવ્યો છે. એક બાજુ રશિયન સૈનિકો જબરદસ્ત હુમલાઓ કરી રહ્યા છે તો બીજી તરફ યુક્રેને પણ પલટવાર કરવાનું મન બનાવી લીધું છે. હવે યુક્રેને દાવો કર્યો છે કે, તેમની સેનાએ આ યુદ્ધમાં અત્યાર સુધી 3500 રશિયન સૈનિકો, ડઝનની સંખ્યામાં ટેન્ક, 14 વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યા છે. આ સિવાય NATO દેશ પણ યુક્રેનની મદદમાં હથિયાર અને મેડિકલ સેવાઓ મોકલી રહ્યા છે.