આજે સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર છે. આ બન્ને દેશો વચ્ચે છેલ્લા 22 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમા હજારો લોકો મોતને ભેટ્યા છે તો અબજો રૂપિયાનું નુકશાન થયુ છે. રશિયાએ યુક્રેનના અનેક શહેરો બરબાદ કરી દીધા છે. તો આજે યુક્રેનના રાષ્ટ્રપતિએ કરેલા એક દાવાથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે કહ્યું કે, રશિયાએ ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ કરી દીધુ છે અને તેના કારણે સમગ્ર માનવજાત માટે ખતરો ઉભો થયો છે. ઝેલેંસ્કીએ કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન પર કરેલા આક્રમણનું પરિણામ આવવાનું હજુ બાકી છે, પરંતુ તેના નિર્ણયથી વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ બની રહી છે. તેમણે આગળ કહ્યું કે, આજથી 80 વર્ષ પહેલા જ્યારે બીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે તેના વિશે કોઈ વાત કરતા નહોતા.


ઝેલેંસ્કીએ કહ્યું કે, યુક્રેની લોકો અપરાજીત છે. ભલે રશિયાની સેના રાજધાની કિવથી લઈને અમારી સમગ્ર જમીન પર કબજો કરી લે પરંતુ તેઓ યુક્રેનની ગરીમા અને પોતાના દેશ પ્રત્યેના પ્રેમને ઓછો નહીં કરી શકે. રશિયાએ અમારી તમામ વસ્તીને બરબાદ કરીને રાખી દીધી છે, પરંતુ તેઓ ક્યારેય યુક્રેનના નાગરિકોને હરાવી શકશે નહીં. આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિએ અમેરિકી સંસદનાં સંબોધન કર્યું હતું. તે દરમિયાન તેમણે અમેરિકા પાસે વધુમાં વધુ મદદની માગ કરી હતી.


યુ્ક્રેનના રાષ્ટ્રપિતએ કહ્યું કે, તેમના પાડોશી દેશોની નજર હાલમાં આ યુદ્ધ પર લાગેલી છે. રશિયા આ યુદ્ધમાં તમામ હદો પાર કરી ચૂક્યું છે. નોંધનિય છે કે આ બન્ને દેશો વચ્ચે ચાલતા યુદ્ધના આજે ત્રણ સપ્તાહ જેટલો સમય વિતિ ગયો છે. બન્નેમાંથી કોઈપણ દેશ આજે નમતું જોખવા તૈયાર નથી અને હજી આ યુદ્ધ કેટલો સમય લાંબુ ચાલશે તે અંગે પણ કોઈ અટકળો કરી શકાય તેમ નથી. તાજેતરમાં રશિયાના રાષ્ટ્પતિ પુતિને કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરીને જ રહેશે, હવે તેમના આ નિવેદનથી તો એક વાત સ્પષ્ટ છે કે રશિયા હાલનાં યુદ્ધ રોકવાના પક્ષમા નથી.



યુક્રેનની સમાચાર એજન્સીએ બુધવારે એક અધિકારીને ટાંકીને કહ્યું હતુ કે, છેલ્લા સપ્તાહ દરમિયાન બંધક બનાવવામાં આવેલા મોલિતોપોલ શહેરના મેયરને છોડાવવામાં માટે બંધક બનાવવામાં આવેલા રશિયાના સૈનિકોને છોડવામાં આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિની ઓફિસ તરફથી કહેવાનમાં આવ્યું કે, મેયરને છોડી મુકવામાં આવ્યા છે પરંતુ તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.