રશિયા-યુક્રેન યુદ્ધને ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આ યુદ્ધ સમાપ્ત થવાને બદલે વધુ ખતરનાક બની રહ્યું છે. રશિયાએ રવિવારે (8 જૂન, 2025) દાવો કર્યો હતો કે તે યુક્રેનમાં આગળ વધ્યું છે, ખાસ કરીને પ્રથમ વખત પૂર્વીય નિપ્રોપેટ્રોસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.

રશિયાના આ પગલાથી એવું માનવામાં આવે છે કે આ યુદ્ધ સંભવિત રીતે વધુ ગંભીર બની રહ્યું છે. તાજેતરમાં તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત થઈ હતી. જોકે, આ વાતચીત એક કલાક પણ ચાલી ન હતી. ત્યારથી બંને પક્ષો એકબીજા પર હુમલો કરી રહ્યા છે.

'આ વિસ્તાર અત્યાર સુધી રશિયન ઘૂસણખોરીથી સુરક્ષિત હતો'

મોસ્કો સ્થિત સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ટેન્ક ફોર્સ હેડોનેટસ્ક પીપલ્સ રિપબ્લિકની પશ્ચિમી સરહદ પર પહોંચી ગઈ છે અને નિપ્રોપેટ્રોવસ્ક ક્ષેત્રમાં આક્રમકણ યથાવત છે. તે એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને ખનન કેન્દ્ર છે અને અત્યાર સુધી રશિયન ભૂમિ ઘૂસણખોરીથી સુરક્ષિત હતું. આવી સ્થિતિમાં હવે પુષ્ટી થઈ ગઈ છે કે આ પગલું યુક્રેનિયન સેના માટે એક મોટો ફટકો છે, જે પહેલાથી જ વ્યૂહાત્મક અને પ્રતિકાત્મક રીતે તણાવમાં છે.

'રશિયા સતત જુઠ્ઠ ફેલાવી રહ્યું છે'

સીએનએન સાથે વાત કરતા યુક્રેનના ખોર્તિત્સિયા ફોર્સેસના પ્રવક્તા વિક્ટર ટ્રેહુબોવે જણાવ્યું હતું કે રશિયનો સતત જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે કે તેઓ પોક્રોવસ્ક અને નોવોપાવલિવ્કાના રસ્તાથી નિપ્રોપેટ્રોવસ્ક ક્ષેત્રમાં પ્રવેશ્યા છે, પરંતુ આવી કોઈ સાચી માહિતી ક્યાંય નથી.

આ સમગ્ર મામલા અંગે યુક્રેનના ટોચના નેતાઓ અને સૈન્ય અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, સધર્ન આર્મી કમાન્ડે આ ધમકીને સ્વીકારી છે અને કહ્યું છે કે રશિયાએ નિપ્રોપેટ્રોવસ્ક ક્ષેત્રમાં પ્રવેશવાનો પોતાનો ઇરાદો છોડ્યો નથી.