Ukraine War: કોઈપણ જાહેરાત વિના સોમવારે યુક્રેનની રાજધાની કિવ પહોંચેલા જર્મનીના ચાન્સેલર ઓલફ શુલ્ઝેએ 2025માં યુક્રેનિયન આર્મીને નવી એર ડિફેન્સ સિસ્ટમ આપવાની જાહેરાત કરી છે. યુક્રેનને ખાતરી પણ આપી કે જર્મની પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ ડિસેમ્બરમાં યુક્રેનને 680 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપશે.
જર્મન ચાન્સેલરની પુતિનને ચેતવણી
યુદ્ધ દરમિયાન શુલ્ઝેની યુક્રેનની આ બીજી મુલાકાત હતી. શુલ્ઝેની સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુક્રેનિયન આર્મીને ચોક્કસ સ્થાનોની સુરક્ષા માટે બે ડઝન નવી એર ડિફેન્સ સિસ્ટમની જરૂરિયાત વિશે જણાવ્યું હતું.
કિવમાં જર્મનીના ચાન્સેલરે કહ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને સ્પષ્ટપણે કહેવા માંગું છું કે અમે યુક્રેનની સાથે છીએ અને ભવિષ્યમાં પણ સાથે ઉભા રહીશું. તેમણે કહ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિએ યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જોઈએ, પ્રાદેશિક શાંતિ માટે આ જરૂરી છે.
અમેરિકા 725 મિલિયન ડોલરની સૈન્ય સહાય આપશે
અમેરિકા હવે યુક્રેનને 725 મિલિયન ડોલરની શસ્ત્ર સહાય આપવાની તૈયારી કરી રહ્યું છે. આ સહાયમાં ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાની સિસ્ટમ્સ, એન્ટી લેન્ડમાઈન સિસ્ટમ્સ અને લાંબા અંતરની રોકેટ સિસ્ટમ્સ આપવામાં આવશે. આ વધારાની સૈન્ય સહાયથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાષ્ટ્રપતિ જો બાઇડન 20 જાન્યુઆરીએ પોતાનો કાર્યકાળ પૂરો કરતા પહેલા યુક્રેનને પૂરતા શસ્ત્રો આપવા માંગે છે જેનાથી તે રશિયા સાથે ઘણા મહિનાઓ સુધી સરળતાથી લડી શકે.
નાટો-ઝેલેન્સ્કીએ અમારા પ્રદેશનું રક્ષણ કરવું જોઈએ
શુક્રવારે સ્કાય ન્યૂઝ સાથે વાત કરતા, ઝેલેન્સકીએ યુદ્ધવિરામની સંભાવનાનો સંકેત આપ્યો. તેમને પૂછવામાં આવ્યું કે જો નાટો માત્ર યુક્રેનના તે ભાગને જ સુરક્ષા આપે જે રશિયાના કબજામાં નથી. આના પર ઝેલેન્સકીએ કહ્યું, જો અમે આ યુદ્ધને રોકવા માંગીએ છીએ, તો જે વિસ્તારો અમારા નિયંત્રણમાં છે તેને નાટોના રક્ષણ હેઠળ લેવો પડશે. અમારે આ કામ ઝડપથી કરવાની જરૂર છે. આ પછી, યુક્રેન રાજદ્વારી વાટાઘાટો દ્વારા તેના બાકીના ભાગો મેળવવાનો પ્રયાસ ચાલુ રાખશે. ઝેલેન્સકીએ કહ્યું કે કોઈ દેશે યુક્રેનને આવો પ્રસ્તાવ આપ્યો નથી.
Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત