Ukraine War Weapons : અમેરિકી સુરક્ષા વિભાગ વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર પોસ્ટ કરેલા દસ્તાવેજોની તપાસ કરી રહ્યું છે જેમાં રશિયન આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેનને વોશિંગ્ટન અને નાટોની સહાયની વિગતો આપવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, વિભાગનું કહેવું છે કે, આમાંના ઘણા દસ્તાવેજો સાથે છેડછાડ કરવામાં આવી છે. યુક્રેન યુદ્ધ વિશે ખોટી માહિતી ફેલાવવાના અભિયાનના ભાગ રૂપે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા છે. ટ્વિટર સહિત અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર જાહેર કરાયેલા આ દસ્તાવેજોને ગોપનીય ગણાવવામાં આવ્યા છે.



દસ્તાવેજો અમેરિકી જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફની દૈનિક બ્રીફિંગ હોય તેવું લાગે છે, જે જાહેર કરવામાં આવતા નથી. આ દસ્તાવેજો આ વર્ષે 23 ફેબ્રુઆરીથી 1 માર્ચની વચ્ચેના, યુએસ અને નાટો દ્વારા યુક્રેનને પહોંચાડવામાં આવેલા હથિયારો અને અન્ય સૈન્ય સાધનોની માત્રા અને સમય વિશે વધુ સચોટ માહિતી આપવાનો દાવો કરે છે. જો કે, દસ્તાવેજો યુદ્ધ યોજના વિશે કોઈ માહિતી આપતા નથી.

જાનહાનિની ઓછી સંખ્યા હોવાનો દાવો

એટલું જ નહીં, યુક્રેન યુદ્ધમાં રશિયન સૈનિકોના માર્યા ગયેલા લોકોની સંખ્યા અમેરિકન અધિકારીઓ દ્વારા કહેવામાં આવેલી સંખ્યા કરતા ઘણી ઓછી બતાવવામાં આવી છે, જેના કારણે તેમની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. યુક્રેનના મિલિટરી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટના પ્રવક્તા આન્દ્રે યુસોવે જણાવ્યું હતું કે, તે યાદ રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે કે તાજેતરના દાયકાઓમાં રશિયાની વિશેષ સેવાઓની સૌથી સફળ કામગીરી ફોટોશોપ (એક સોફ્ટવેર) પર કરવામાં આવી છે. આ દસ્તાવેજોના પ્રારંભિક વિશ્લેષણમાં, અમને બંને પક્ષો (યુક્રેન અને રશિયા) ને થયેલા નુકસાન વિશે અવિશ્વસનીય સ્રોતોમાંથી ખોટી અને વિકૃત માહિતી એકત્ર કરવામાં આવી છે, તેમ તેમણે કહ્યું હતું.

અમેરિકી અધિકારીઓએ મૌન સેવ્યું

અમેરિકી અધિકારીઓએ શુક્રવારે દસ્તાવેજોના સ્ત્રોત, તેમની વિશ્વસનીયતા અથવા સોશિયલ મીડિયા પર સૌપ્રથમ કોણે શેર કર્યા તે વિશે કોઈ વિગતો આપી ન હતી. આ દસ્તાવેજો સોશિયલ મીડિયા પર લીક થવાના સમાચાર સૌથી પહેલા 'ન્યૂયોર્ક ટાઈમ્સ' દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના હેડક્વાર્ટર પેન્ટાગોનની પ્રવક્તા સબરીના સિંઘે કહ્યું હતું કે, અમે સોશિયલ મીડિયા પોસ્ટ સાથે જોડાયેલા સમાચારથી વાકેફ છીએ. વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે.