UNSCમાં પાકિસ્તાન-ચીનને ઝટકો, રશિયાએ આપ્યો ભારતનો સાથ
abpasmita.in | 16 Aug 2019 09:58 PM (IST)
ચીને કહ્યું કે કોઇ પક્ષ એક તરફ કાર્યવાહી ના કરે. આ પ્રકારની એકતરફી કાર્યવાહી કાયદેસર નથી
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ચીનની માંગ પર જમ્મુ કાશ્મીરના મુદ્દાને લઇને બેઠક ખત્મ થઇ ગઇ છે. UNSCમાં કાશ્મીરને લઇને રશિયાએ ભારતને સાથ આપ્યો છે. જ્યારે ચીને પાકિસ્તાનના સૂરમાં સૂર મેળવ્યો છે. જોકે, રશિયાએ કાશ્મીરને લઇને ફક્ત દ્ધિપક્ષીય વાતચીતને સમર્થન આપ્યું છે. બેઠક બાદ ચીની રાજદૂતે કહ્યું કે ભારતે જે બંધારણમાં સંશોધન કર્યું છે જેનાથી હાલની સ્થિતિ બદલાઇ ગઇ છે. ચીને કહ્યું કે, કાશ્મીરમાં હાલત ચિંતાનજર છે. ચીને કહ્યું કે કોઇ પક્ષ એક તરફ કાર્યવાહી ના કરે. આ પ્રકારની એકતરફી કાર્યવાહી કાયદેસર નથી. વાસ્તવમાં તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન રઘવાયુ થયું છે. બીજી તરફ બેઠકમાં રશિયાએ ચીનનો વિરોધ કર્યો હતો. રશિયાએ કહ્યુ હતું કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્ધિપક્ષીય મુદ્દો છે. પાકિસ્તાને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવ્યો છે. પરંતુ તેની એક પણ દલીલ કામે આવી નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના લગભગ તમામ દેશોએ (ચીન સિવાય) પાકિસ્તાનનો વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી દૂત અકબરુદ્દીને કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી ભારતનો આંતરિક મામલો છે. કાશ્મીર પર લેવાયેલા નિર્ણયથી બહારના લોકોને કોઇ લેવાદેવા નથી. જેહાદના નામ પર પાકિસ્તાન હિંસા ફેલાવી રહ્યું છે. અમે અમારી નીતિ પર હંમેશાથી અડગ છીએ. હિંસા કોઇ મુદ્દાનો ઉકેલ નથી. સાથે તેમણે કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ ફેલાવવાનું બંધ કરવું જોઇએ. પ્રથમવાર છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાને બંધ રૂમમાં બેઠક કરવી પડી છે. કાશ્મીર પર યુએનના ઇતિહાસમાં બીજી બેઠક ચાલી રહી છે. આ અગાઉ પ્રથમ બેઠક 1971મા થઇ હતી. યુએનએસસીમાં સભ્યોની સંખ્યા 15 છે જ્યારે તેમાં પાંચ સ્થાયી અને 10 અસ્થાયી સભ્યો છે. સ્થાયી સભ્યોમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન અને ફ્રાન્સ છે. અસ્થાયી દેશોમાં બેલ્જિયમ, કોટ ડીવોએર, ડોમિનિક રિપબ્લિક, ઇક્વેટોરિયલ ગુએની, જર્મની, ઇન્ડોનેશિયા, કુવેત, પેરૂ, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવા દેશ છે.