DEI program explanation: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસનની આડઅસરો હવે સ્પષ્ટપણે દેખાવા લાગી છે. તેમના દ્વારા લેવાયેલા એક નિર્ણયથી ત્યાં કામ કરતા એક લાખ ભારતીયોની નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. ટ્રમ્પે DEI એટલે કે ડાઇવર્સિટી, ઇક્વિટી અને ઇન્ક્લુઝન (વિવિધતા, સમાનતા અને સમાવેશ) પ્રોગ્રામને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ અંતર્ગત DEIની ભરતી પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી છે અને હાલમાં કાર્યરત તમામ DEI કર્મચારીઓને 31 જાન્યુઆરી સુધી ફરજિયાત પેઇડ લીવ પર મોકલી દેવામાં આવ્યા છે. ટ્રમ્પે DEI કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાના એક દિવસ પછી જ આ પગલું લેવામાં આવ્યું છે.
સોમવારે પત્રકારો સાથેની બ્રીફિંગ કોલ દરમિયાન એક અધિકારીએ જણાવ્યું હતું કે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર DEIની નોકરશાહીને ખતમ કરશે અને તેમાં પર્યાવરણીય ન્યાય કાર્યક્રમો, ઇક્વિટી-સંબંધિત અનુદાન, ઇક્વિટી એક્શન પ્લાન અને ઇક્વિટી પહેલનો સમાવેશ થશે. વ્હાઇટ હાઉસે મંગળવારે એક ફેક્ટ શીટ પણ બહાર પાડી હતી, જેમાં ફેડરલ કોન્ટ્રાક્ટમાં DEI ના ઉપયોગને સમાપ્ત કરવા અને ફેડરલ એજન્સીઓને ખાનગી ક્ષેત્રના ભેદભાવ સામે સક્રિયપણે લડવા માટે નિર્દેશિત કરવાના આદેશની વાત કરવામાં આવી હતી.
પહેલી ફેબ્રુઆરીએ ડીઈઆઈ કર્મચારીઓના ભવિષ્ય અંગે નિર્ણય કરવામાં આવશે. અમેરિકામાં કુલ 32 લાખ ફેડરલ કર્મચારી છે. તેમાંથી 8 લાખ કર્મચારી ડીઈઆઈ પ્રોગ્રામમાં કામ કરે છે જેમાં 1 લાખ ભારતીય છે. તેમાંથી અમેરિકન નાગરિકતા પ્રાપ્ત અને વર્ક વિઝા જેમ કે એચ-1બી પર કામ કરનારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
DEI પ્રોગ્રામ શું છે?
રોજગાર, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં તમામ વર્ગોને સમાન તકો પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 1960માં અમેરિકામાં DEI પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયના પ્રમુખ જ્હોન એફ. કેનેડી અને માર્ટિન લ્યુથર કિંગના આદર્શોથી પ્રેરિત આ પ્રોગ્રામ હેઠળ ફેડરલ અને રાજ્ય સરકારો ધાર્મિક અને વંશીય લઘુમતીઓને રોજગારી આપે છે. આ ઉપરાંત મહિલાઓ, વિકલાંગ લોકો અને થર્ડ જેન્ડરને પણ આના દ્વારા નોકરી મળે છે. તમામ સરકારી વિભાગોમાં એક નિશ્ચિત ક્વોટા હોય છે. અમેરિકાના DEI પ્રોગ્રામને ભારતમાં વિવિધ વર્ગો માટે લાગુ કરાયેલી અનામત પ્રણાલીની સમકક્ષ ગણી શકાય.
અમેરિકામાં ખાનગી ક્ષેત્ર માટે પણ DEI પ્રોગ્રામ હેઠળ નોકરીઓ આપવી ફરજિયાત છે. પરંતુ હવે Meta, Boeing, Amazon, Walmart, Target, Ford, Molson, Harley Davidson અને McDonalds જેવી મોટી કંપનીઓએ પણ DEI બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ટ્રમ્પના આ નિર્ણયની અસર માત્ર સરકારી ક્ષેત્ર પર જ નહીં પરંતુ ખાનગી ક્ષેત્ર પર પણ પડશે અને મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થઈ શકે છે, જેમાં એક લાખ ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
આ નિર્ણયથી 1 લાખ ભારતીયોની નોકરી પર જોખમ તોળાયું છે અને આ મુદ્દે વધુ ચર્ચા અને વિવાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો...
500 અબજ ડૉલરના AI પ્રોજેક્ટે ટ્રમ્પ-મસ્ક વચ્ચેની મિત્રતામાં ફાટ પાડી! જાણો શું છે સમગ્ર મામલો