Crude Price Update: ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના પ્રયાસોને કારણે બ્રેટ ક્રૂડ વાયદો ઘટીને 109 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. આ સાથે અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભાવમાં 8.75 ટકાનો ઘટાડો થયો છે અને તે બેરલ દીઠ 100 ડોલરથી નીચે 99.76 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટતાં ભારત માટે રાહતના સમાચાર છે કારણ કે ભારત કુલ વપરાશનું 80 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. 


ક્રૂડ ઓઈલના ભાવ કેમ ઘટ્યા?
રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીત અને યુદ્ધવિરામની આશાને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. તે જ સમયે, એવો વિશ્વાસ પણ વધ્યો છે કે, રશિયન તેલનો કોઈ વિકલ્પ નથી. જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે તો પણ યુરોપ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ નહીં કરી શકે. જો યુદ્ધ ચાલુ રહેશે તો પણ રશિયા તરફથી પુરવઠો આવતો રહેશે. આ કારણે ક્રૂડના ભાવ પણ ઘટ્યા છે. તમને જણાવી દઈએ કે, યુરોપ તેના 40 ટકા ક્રૂડ ઓઈલ અને ગેસ માટે રશિયા પર નિર્ભર છે.


ચીનમાં લોકડાઉનઃ
ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ ફેલાવાનો શરુ થયો છે. ચીનમાં કોરોનાના કેસ 2 વર્ષમાં સૌથી વધુ છે. ચીનના શાંઘાઈ અને શેનઝેનમાં 2.4 કરોડ લોકો લોકડાઉનથી પ્રભાવિત થયા છે. લોકડાઉનને કારણે કાચા તેલની માંગમાં ઘટાડો થશે. આ જ કારણથી ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે.


કિંમત વધીને 140 ડોલર થઈ હતીઃ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલની કિંમત 140 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. અમેરિકાએ રશિયામાંથી આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો અને યુરોપે પણ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું હોવાના સમાચારને કારણે કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો અને તે 14 વર્ષની ટોચે પહોંચી ગયો હતો.