વૉશિંગટનઃ જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાને લઇને ચીને ભારતના માર્ગમાં અડંગો નાંખ્યો છે. ચીને ચોથી વાર પોતાનો વીટો પાવર વાપરીને મસૂદ અઝહરને બચાવ્યો છે.

ચીનના આ વલણથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ ચીનને ચેતાવણી આપી છે કે જો ચીન પોતાની આ નીતિ પર અડી રહેશે, તો જવાબદાર સભ્યો પરિષદમાં ‘અન્ય પગલા ભરવા પર મજબૂર’ થઇ શકે છે. સુરક્ષા પરિષધના એક દૂતે ચીનને ચોખ્ખી ચેતાવણી આપતા કહ્યું કે, ‘જો ચીન આ કાર્યમાં બાધા પેદા કરવાનું ચાલુ રાખશે તો જવાબદાર દેશો સુરક્ષા પરિષદમાં અન્ય પગલા ભરી શકે છે. આવી પરિસ્તિથિ પેદા ના થવી જોઇએ.’



દૂતે પોતાની ઓળખ છુપી રાખવાની શર્ત પર પીટીઆઇને આ વાત કહી હતી, દૂતે કહ્યું કે, ચીને ચોથી વાર આ કામ કર્યુ છે, ચીને એ જ કામ કરવાનુ હોય જે સુરક્ષા પરિષદે તેને સોંપ્યુ છે. જો આમ નહીં થાય તો અન્ય પગલા ભરાઇ શકે છે.