ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝાના ઘણા ભાગોમાં ભીષણ લડાઈ ચાલુ છે. ગાઝા યુદ્ધમાં મૃત્યુઆંક 40 હજારની નજીક પહોંચી ગયો છે. દરમિયાન અમેરિકાએ ઇઝરાયલને 20 બિલિયન ડોલરના હથિયાર પેકેજને મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને આ પેકેજને મંજૂરી આપી છે. જોકે, શસ્ત્રો ઈઝરાયલ સુધી પહોંચતા ઘણા વર્ષો લાગશે.
50 F-15 ફાઈટર પ્લેનના વેચાણને મંજૂરી
આ ડીલ ત્યારે થઇ હતી જ્યારે રાષ્ટ્રપતિ બાઇડને ઇઝરાયલ અને હમાસ પર 10 મહિનાની લડાઇ બાદ યુદ્ધવિરામ સુધી પહોંચવા દબાણ કર્યું હતું. કોંગ્રેસને જાહેર કરાયેલ એક સૂચનામાં વિદેશ વિભાગે કહ્યું કે અમેરિકાએ ઇઝરાયલને 18.82 અબજ ડોલરમાં 50 F-15 ફાઇટર પ્લેન આપવાની મંજૂરી આપી છે. ઇઝરાયલ અંદાજે 33,000 ટેન્ક કારતૂસ, 50,000 વિસ્ફોટક મોર્ટાર કારતૂસ અને નવા લશ્કરી કાર્ગો વાહનો પણ ખરીદશે.
અમેરિકા ઈઝરાયલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે
સ્ટેટ ડિપાર્ટમેન્ટે F-15 પરની તેની નોટિસમાં જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને મજબૂત અને તૈયાર સ્વ-રક્ષણ ક્ષમતા વિકસાવવા અને જાળવવામાં ઇઝરાયલને મદદ કરવી એ અમેરિકાના રાષ્ટ્રીય હિત માટે મહત્વપૂર્ણ છે. F-15 એરક્રાફ્ટની ડિલિવરી 2029માં શરૂ થશે. ઇઝરાયલના વર્તમાન કાફલાને અપગ્રેડ કરશે અને રડાર અને સુરક્ષિત સંચાર સાધનોનો સમાવેશ કરશે.
માનવ અધિકાર જૂથો અને બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક ડાબેરી સભ્યોએ વહીવટીતંત્રને ઇઝરાયલને શસ્ત્રોના વેચાણને રોકવા અથવા અટકાવવા વિનંતી કરી છે. કોંગ્રેસ હજી પણ શસ્ત્રોના વેચાણને અવરોધિત કરી શકે છે, પરંતુ આવી પ્રક્રિયા મુશ્કેલ છે.
ઈઝરાયલના હવાઈ હુમલામાં 93 લોકો માર્યા ગયા
શનિવારે હમાસ સંચાલિત વિસ્તારમાં બચાવ કાર્યકરોએ જણાવ્યું હતું કે વિસ્થાપિત પેલેસ્ટિનિયનોની શાળાના આવાસ પર ઇઝરાયલી હવાઈ હુમલામાં 93 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયલે કહ્યું કે તેણે સક્રિય આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે. બાઇડન સરકારના અધિકારીઓએ નાગરિકોના મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગાઝામાં ઈઝરાયલના જવાબી લશ્કરી હુમલામાં ઓછામાં ઓછા 39,929 લોકો માર્યા ગયા છે.
આ પણ વાંચોઃ
F-22 Raptor: ઇઝરાયલની સુરક્ષા માટે અમેરિકાએ તૈનાત કર્યું સૌથી એડવાન્સ સ્ટેલ્થ ફાઇટર જેટ