નવી દિલ્હી: દુનિયાભરના દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ છે. કોરોના મહામારીના કારણે લોકોની જિંદગી ઘણી પ્રભાવિત થઈ છે. દુનિયાના લગભગ તમામ દેશોની અર્થવ્યવસ્થા પર વાયરસનો માર જોવા મળી રહ્યો છે. તમામ દેશો પોતાના લોકોને આ મહામારીથી ઉગારવામાં લાગ્યા છે. ત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં સરકારે કોરોનાના દર્દીને 1250 ડોલર( 94000 રુપિયા) આપવાની જાહેરાત કરી છે.
કેલિફોર્નિયાના એક કાઉન્ટીએ આ નિર્ણય કર્યો છે કે. જે લોકો કોરોનાગ્રસ્ત થશે તેમને ખાવાનો ખર્ચ, ભાડુ અને ફોનનું બિલ ચુકવવામાં રાહત મળે તે માટે 94000 રુપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. પૈસા મળ્યા બાદ દર્દીઓ બે અઠવાડિયા માટે ક્વોરન્ટાઈન રહેવાનું છે.
કેલિફોર્નિયાના અલામેડા કાઉન્ટીના સુપરવાઇઝર્સ બોર્ડનું કહેવું છે કે ચેપ લાગ્યા બાદ લોકો બે અઠવાડિયા સુધી ક્વોરેન્ટાઇન રહે છે. જે કોઇને પોસાય તેમ નથી, માટે આવા લોકોની મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ કાઉન્ટીના બોર્ડ દ્વારા સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે એક પાયલટ પ્રોગ્રામ મંજૂર કરવામાં આવશે, જે પ્રમાણે કોરોનાના દરેક દર્દીને 1250 ડોલર (94 હજાર રુપિયા) આપવામાં આવશે. આ નિર્ણય એટલા માટે પણ લેવામાં આવ્યો છે કે લોકો ટેસ્ટ કરવાથી ડરે નહીં. જો લોકો ટેસ્ટ જ નહીં કરાવે તો કોરોનાને ફેલાતો રોકી શકાશે નહીં.

94 હજાર રુપિયાની મદદ માટે કોઇ પણ વ્યક્તિને ગાઇડલાઇન પ્રમાણેના ક્લિનિક પર જઇને ટેસ્ટ કરાવવો પડશે. સાથે એવી પણ શરત રાખવામાં આવી છે કે જે તે વ્યક્તિને પેઇડ સીક લીવ એટલે કે ચાલુ પગારે રજા ના મળતી હોય. તેમજ બેરોજગારી ભથ્થુ પણ ના મળતુ હોય. પ્રશાસનને આશા છે કે આ નિર્ણય બાદ લોકોને ટેસ્ટ કરાવવા અને ક્વોરેન્ટાઇન થવામાં પ્રોત્સાહન મળશે તથા કોરોના પર નિયંત્રણ રાખવામાં મદદ મળશે.