વોશિંગ્ટન : દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં કોરોના કેસમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અહીં એક દિવસમાં એક લાખ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. અમેરિકામાં બે દિવસ બાદ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેના પહેલા કોરોના સંક્રમણનો એક નવો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. શનિવારે એક લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. તેની વચ્ચે એક ચોંકવારી રિપોર્ટ આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઘરોમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી પ્રસરી રહ્યો છે.


જર્નલ મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી રિપોર્ટ વીકલીમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર ઘરોમાં અગાઉ ધાર્યા કરતાં વધારે ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. આ સર્વે અમેરિકામાં 101 ઘરોમાં કરવામાં આવ્યો હતો. યુએસના વાન્ડેરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં હેલ્થ પોલિસીના એસોસિએટ પ્રોફેસર કાર્લોસ જે. ગ્રિજાલ્વા અનુસાર, ઘરમાં કોઈ એકને કોરોનાનો ચેપ લાગ્યા બાદ તે ઝડપથી ઘરમાં પ્રસરે છે અને બીજા સભ્યો પણ સંક્રમિત થાય છે. સંશોધન અનુસાર પ્રથમ ચેપ લાગ્યાના પાંચ દિવસમાં બીજો ચેપ 75 ટકા ઘરોમાં લાગે છે.

વર્લ્ડોમીટર અનુસાર છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોના વાયરસના 92 હજાર નવા કેસ નોંધાયા હતા. જ્યારે 1041 દર્દીઓના મોત થયા હતા. અમેરિકામાં અત્યાર સુધી 9,214,836 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં 2,34,172 મૃત્યુ નિપજ્યા છે. સરકારી માહિતી અનુસાર સાઉથ ડાકોટામાં દર 6 દર્દીઓમાંથી એક કરતાં વધારે કોરોનાના દર્દીઓ હાલ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.