અમેરિકાએ એચ-1બી વર્ક વિઝાની પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કર્યાં બાદ હવે અરજી ફીમાં 10 ડોલરનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય આઈટી પ્રોફેશનલમાં એચ-1બી વિઝા સૌથી લોકપ્રિય છે.
એચ-1બી વિઝા અમેરિકાની કંપનીઓને હંગામી ધોરણે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. એચ-1બી વિઝાની પસંદગીમાં સ્નાતકની ડિગ્રી તથા વિશેષ જ્ઞાન ધ્યાનમાં લેવામાં આવે છે.
યુએસ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઇએસ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નોન રિફન્ડેબલ ફીથી નવી ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમને સમર્થન મળશે.
યુએસસીઆઇએસના કાર્યકારી ડાયરેક્ટર કેન કુકીનેલીએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી એચ-1બી વિઝા પસંદગી પ્રક્રિયા વધુ સરળ બનશે. અમેરિકા નાણાંકીય વર્ષ 2021થી એચ-1બી કેપ સિલેક્શન પ્રોસેસ માટે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમ અમલી બનાવવા માગે છે. યુએસસીઆઇએસએ રજિસ્ટ્રેશન ફી અંગે 4 સપ્ટેમ્બર, 2019ના રોજ નોટિસ જારી કરી હતી.