US Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશ્કિયન અને IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ના ચીફ અહેમદ વાહિદી વચ્ચે યુદ્ધ રોકવા બાબતે ગંભીર મતભેદો સપાટી પર આવ્યા છે. પેજેશ્કિયન નરમપંથી વિચારધારા ધરાવે છે, જ્યારે અહેમદ વાહિદી કટ્ટરપંથી માનસિકતા ધરાવે છે અને અમેરિકા-ઈઝરાયેલને કટ્ટર દુશ્મન માને છે. આ વિવાદ મુખ્યત્વે યુદ્ધની અસરો અને દેશના અર્થતંત્રને કેવી રીતે સંભાળવું તે બાબતે છે.

અર્થતંત્ર ધરાશાયી થવાનો ડર

'ઈરાન ઈન્ટરનેશનલ' ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ પેજેશ્કિયને IRGC ની રણનીતિ પર સવાલો ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે સતત તણાવ વધારવા અને પડોશી દેશો પર હુમલા કરવાથી દેશની આર્થિક સ્થિતિ વધુ કથળી રહી છે. તેમણે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યુદ્ધ નહીં અટકે, તો આગામી ૩ અઠવાડિયાથી 1 મહિનાની અંદર ઈરાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે પડી ભાંગી શકે છે. નોંધનીય છે કે, 7 માર્ચના રોજ પેજેશ્કિયને એક વીડિયો સંદેશ દ્વારા પડોશી દેશો પર થયેલા હુમલા બદલ માફી માંગી હતી અને સેનાને આવા હુમલા રોકવા નિર્દેશ આપ્યો હતો, છતાં હુમલા ચાલુ રહ્યા હતા.

Continues below advertisement
Continues below advertisement

સત્તા સંઘર્ષ અને સામસામે આક્ષેપો

રાષ્ટ્રપતિએ માંગ કરી છે કે વહીવટી નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા ફરીથી સરકારને સોંપવામાં આવે જેથી પરિસ્થિતિ સુધારી શકાય, પરંતુ અહેમદ વાહિદીએ આ માંગનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. વાહિદીના મતે, વર્તમાન સ્થિતિ માટે સરકાર પોતે જવાબદાર છે, કારણ કે યુદ્ધ શરૂ થતા પહેલા જરૂરી સુધારા કરવામાં આવ્યા નહોતા.

ઈરાનની જનતાની હાલાકી

ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાનની સત્તામાં તિરાડો સ્પષ્ટ દેખાઈ રહી છે. યુદ્ધને કારણે દેશની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે:

  • અનેક શહેરોમાં ATM ખાલી છે અથવા કામ કરતા બંધ થઈ ગયા છે.

  • ઓનલાઈન બેંકિંગ સેવાઓ વારંવાર ખોરવાઈ રહી છે, જેનાથી સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે.

  • સરકારી કર્મચારીઓને છેલ્લા ૩ મહિનાથી સમયસર પગાર અને ભથ્થા મળ્યા નથી.

આસમાને પહોંચતી મોંઘવારી

ફેબ્રુઆરીમાં યુદ્ધ શરૂ થયું તે પહેલા જ ઈરાનમાં આવશ્યક ચીજવસ્તુઓની મોંઘવારી 105% થી 115% ની વચ્ચે પહોંચી ગઈ હતી. હવે યુદ્ધના કારણે સ્થિતિ વધુ વણસી છે. આમ, ઈરાન અત્યારે એક તરફ બહારના યુદ્ધનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ સરકાર અને સેના વચ્ચેના આંતરિક સંઘર્ષને કારણે દેશની સ્થિતિ વધુ જટિલ બની રહી છે.