US Iran War Tension: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે યુદ્ધ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. બંને દેશો વચ્ચે સતત વધી રહેલા તણાવ અને સૈન્ય હુમલાઓ વચ્ચે હવે ભારતે પોતાની પહેલી અને સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) આ સમગ્ર મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરતા તમામ પક્ષોને સંયમ રાખવા અને વાતચીતથી શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે અપીલ કરી છે.
ભારતે શું કહ્યું અને કઈ બાબતો પર ચિંતા વ્યક્ત કરી?
ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પરથી પસાર થતા કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાઓથી તણાવ ખૂબ વધી ગયો છે. આ ઘટનાઓ સમગ્ર પશ્ચિમ એશિયાની શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે મોટો ખતરો છે.
ભારતે ખાસ અપીલ કરી છે કે:
નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે.
ક્રૂડ ઓઈલ (તેલ) અને ઉર્જાના સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તેનું ધ્યાન રખાય.
વેપારિક માર્ગોને સુરક્ષિત રાખવામાં આવે અને રાજદ્વારી વાતચીત દ્વારા કાયમી ઉકેલ શોધવામાં આવે.
અમેરિકા અને ઈરાન વચ્ચે સામસામી બોમ્બવર્ષા
હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો ટકરાવ ચરમસીમાએ છે. 8 જુલાઈના રોજ યુએસ સેન્ટકોમે દાવો કર્યો હતો કે, હોર્મુઝ સ્ટ્રેટમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવામાં આવતા તેમણે ઈરાનના 80 જેટલા લશ્કરી થાણાઓ પર વળતો હુમલો કર્યો છે. સામે પક્ષે ઈરાન પણ ચૂપ બેઠું નથી. ઈરાને દાવો કર્યો છે કે તેમણે 85 અમેરિકી થાણાઓને નિશાન બનાવ્યા છે અને બહેરીનમાં આવેલા શેખ ઈસા એર બેઝ પર અમેરિકન દળો પર ડ્રોન હુમલો પણ કર્યો છે.
આ પણ વાંચોઃ ‘આજે રાત્રે...’ ટ્રમ્પની ઈરાનને વિનાશક હુમલાની ધમકીથી મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!
'આ લોકો પાગલ છે...': ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
આ બધા ઘમાસાણ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી અને ભયાનક ધમકી આપી છે. અંકારામાં નાટો સમિટ દરમિયાન ટ્રમ્પે ઈરાની નેતાઓને 'પાગલ' ગણાવ્યા અને તેમના પર વારંવાર પોતાની વાતથી ફરી જવાનો આરોપ લગાવ્યો.
ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું, "અમે ગઈકાલે રાત્રે તેમના પર જોરદાર હુમલો કર્યો હતો અને કદાચ આજે રાત્રે પણ અમે ફરી મોટો હુમલો કરીશું." તેમણે ઈરાનના નાગરિક માળખા (સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પર હુમલો કરવાની અને મહત્ત્વના ખાર્ગ ટાપુ પર કબજો જમાવવાની પણ ચીમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેની શાંતિ વાટાઘાટો હવે માત્ર સમયનો બગાડ છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર એક્શનમાં
પશ્ચિમ એશિયામાં ઝડપથી બગડી રહેલી આ પરિસ્થિતિને જોતા ભારતે રાજદ્વારી સ્તરે પણ તૈયારીઓ શરૂ કરી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે 8 જુલાઈના રોજ કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ અલ-સબાહ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અને પશ્ચિમ એશિયાના વર્તમાન સંકટ અંગે ગંભીર ચર્ચા કરી હતી.
આ પણ વાંચોઃ ‘તમારા કામથી કામ રાખો...’ ટ્રમ્પની ફોટો ટિપ્પણી પર ઇટાલીના PM મેલોની ભડકી, જાણો શું કહ્યું...
