US Israel Iran War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સામે યુદ્ધ લગભગ "ખતમ" થઈ ગયું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાની સેના તેના પ્રારંભિક અંદાજિત ચાર થી પાંચ અઠવાડિયાના સમયમર્યાદા કરતાં ઘણું આગળ છે અને અમેરિકા ટૂંક સમયમાં વિજય પ્રાપ્ત કરશે. ઈરાન પાસે હવે નૌકાદળ, એરફોર્સ અને કોમ્પ્યુનિકેશન નથી. ટ્રમ્પે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની પસંદગી થવા પર પ્રતિક્રિયા આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "આપણે ઘણી રીતે જીતી ચૂક્યા છીએ, પરંતુ હજુ જેટલી જોઈએ છે તેટલી જીત મળી નથી. ઈરાન નિર્ણાયક રીતે પરાજિત થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. અમે સતત પ્રગતિ કરી રહ્યા છીએ, અને યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે." ટ્રમ્પે કહ્યું કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે પુતિન ઈરાન લડાઈમાં "મદદ" કરવા માંગે છે.
ઈરાન એક મોટો ખતરો બની રહ્યું હતુંઃ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાન પરમાણુ શસ્ત્રો માટે એક નવી જગ્યા પર કામ શરૂ કરી રહ્યું છે. ઈરાન બેલિસ્ટિક મિસાઈલના ભયનો ઉપયોગ કરીને તેને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવવાનું અશક્ય બનાવવા માંગતું હતું. જો આપણે આ હુમલો ન કર્યો હોત તો ઈરાન મધ્ય પૂર્વ પર કબજો કરી લેત. ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈની પસંદગી પર ટ્રમ્પે કહ્યું કે , "મને લાગે છે કે આનાથી સમસ્યાઓમાં વધારો થશે. હું તેમની પસંદગીથી નિરાશ છું. મને લાગે છે કે ઈરાને મોજતબાને સુપ્રીમ લીડર તરીકે પસંદ કરીને મોટી ભૂલ કરી છે."
ઈરાનમાં ભીષણ લડાઈ ચાલુ છે
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલી દળો સંયુક્ત રીતે ઈરાન સામે મોટા હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓએ ઈરાનની નૌકાદળનો નાશ કર્યો છે, તેના 46 જહાજોનો નાશ કર્યો છે. જોકે, દુશ્મનનો સંપૂર્ણ અને નિશ્ચિતપણે પરાજય ન થાય ત્યાં સુધી અમે અટકીશું નહીં.
આ લડાઈ 28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ શરૂ થયા પછી શરૂ થઈ હતી. અમેરિકા અને ઇઝરાયલ ઈરાનમાં ભારે બોમ્બમારા કરી રહ્યા છે. દરમિયાન, ઈરાને વારંવાર ઇઝરાયલ અને ખાડી દેશોમાં અમેરિકાના લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ યુદ્ધની સીધી અસર 10 થી વધુ દેશો પર પડી છે.
