અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન આગામી કેટલાક મહિનામાં ઇઝરાયલની મુલાકાત કરી શકે છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ નફતાલી બેનેટે ઇઝરાયલની મુલાકાત લેવા અમેરિકન રાષ્ટ્રપતિને આમંત્રણ આપ્યું છે.  ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ જો બાઇડેન એ ઇઝરાયેલની મુલાકાત લેવા વડાપ્રધાન બેનેટના આમંત્રણને સ્વીકાર્યું છે અને જાહેરાત કરી છે કે તેઓ આગામી મહિનામાં ઇઝરાયેલની મુલાકાત લેવા માંગે છે."






નોંધનીય છે કે બાઇડેનની ઇઝરાયલ મુલાકાત અંગેની આ જાણકારી રવિવારે બંન્ને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ સામે આવી છે.  બંને વચ્ચેની વાતચીત દરમિયાન ઇઝરાયેલના પીએમ બેનેટે જો બાઇડેનને ઇસ્ટરની શુભેચ્છા પાઠવી હતી અને તેમને જેરૂસલેમમાં હિંસા અને ઉશ્કેરણી રોકવાના પ્રયાસો વિશે માહિતી આપી હતી.


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ઈરાન મુદ્દે ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે ખાસ કરીને યુએસ ફોરેન ટેરર ​​ઓર્ગેનાઈઝેશન (FTO)ની યાદીમાંથી IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ)ને હટાવવાની ઈરાનની માંગ પર વાતચીત થઈ હતી.


ઇઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે કહ્યું, "મને ખાતરી છે કે રાષ્ટ્રપતિ બાઇડેન ઇઝરાયેલના સાચા મિત્ર છે અને તેની સુરક્ષાનું ધ્યાન રાખે છે. તેઓ IRGCને આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવવાની મંજૂરી નહીં આપે.


ઈઝરાયેલે ઈરાન સાથેના 2015ના આંતરરાષ્ટ્રીય પરમાણુ કરારને ફરીથી ચાલુ રાખવાના અમેરિકાના પ્રયાસોનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તેમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી રોકવા માટે પુરતી સુરક્ષાનો સમાવેશ થતો નથી. અગાઉ ઈઝરાયેલે આશંકા વ્યક્ત કરી હતી કે અમેરિકા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડને વિદેશી આતંકવાદી જૂથોની યાદીમાંથી હટાવી શકે છે.