US Golden Dome System: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (20 મે) એક નવી અને મહત્વાકાંક્ષી મિસાઇલ સુરક્ષા સિસ્ટમ 'ગોલ્ડન ડોમ' બનાવવાની જાહેરાત કરી હતી. આ સિસ્ટમનો હેતુ સેટેલાઇટ દ્વારા હવામાં દુશ્મન મિસાઇલોને ઝડપથી શોધી કાઢવા, ટ્રેક કરવા અને નાશ કરવાનો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'ગોલ્ડન ડોમ પ્લાન' માટે 25 બિલિયન ડોલરનું પ્રારંભિક બજેટ નક્કી કર્યું છે. જોકે, સમગ્ર સિસ્ટમના નિર્માણમાં લગભગ 175 બિલિયન ડૉલરનો ખર્ચ થશે. તેનું સંપૂર્ણ નિર્માણ અમેરિકામાં કરવામાં આવશે.
ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ વિશે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તે મારા કાર્યકાળના અંત સુધીમાં તૈયાર થઈ જશે. ટ્રમ્પ વહીવટીતંત્રે જનરલ માઈકલ ગુઈટલિનને ગોલ્ડન ડોમ પ્રોજેક્ટની જવાબદારી સોંપી છે. તે ઇઝરાયલની 'આયર્ન ડોમ' સિસ્ટમથી પ્રેરિત છે, પરંતુ તેનો વ્યાપ ઘણો મોટો અને સ્પેસ બેઝ્ડ છે. આમાં સેંકડો સર્વેલન્સ ઉપગ્રહોનું નેટવર્ક સામેલ હશે. આ ઉપગ્રહો મિસાઇલોને લોન્ચ થયા પછી તરત જ નષ્ટ કરવામાં મદદરૂપ સાબિત થશે. આ રીઅલ ટાઇમ ડેટા શેરિંગ અને રડાર ઇન્ટેલિજન્સથી સજ્જ હશે. આ ઉપરાંત, તેમાં AI આધારિત ટ્રેકિંગ અને ફાયર કમાન્ડનો સમાવેશ થશે. આ સિસ્ટમ અમેરિકાની સંરક્ષણ વ્યૂહરચનામાં સ્પેસ બેઝ્ડ ડિફેન્સ (Space-Based Defense)ની પ્રથમ હરોળ હશે.
કેનેડાની ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય પરિમાણ
ટ્રમ્પે જાહેરાત કરી કે કેનેડાએ ગોલ્ડન ડોમ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે અને અમેરિકા તેના ઉત્તરીય પાડોશીને મદદ કરવા તૈયાર છે. અમેરિકા આ પ્રોજેક્ટને ફક્ત સ્થાનિક સુરક્ષા પૂરતો મર્યાદિત રાખવા માંગતું નથી. આનાથી નાટો દેશો સાથે ભાગીદારી માટે નવા દરવાજા ખુલી શકે છે. આ ચીન અને રશિયા જેવા દેશો માટે પણ એક રાજકીય સંદેશ છે. જનરલ માઈકલ ગુઈટલિનને આ સિસ્ટમના ડિરેક્ટર અને સુપરવાઇઝિંગ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અમેરિકાએ અગાઉથી જ કામ શરૂ કરી દીધું છે
પેન્ટાગોને પહેલાથી જ સેન્સર, સેટેલાઇટ અને મિસાઇલ પરીક્ષણોની યોજના બનાવી ચૂક્યું છે. બજેટ મંજૂરી સાથે બાંધકામનો પ્રારંભિક તબક્કો ચાલી રહ્યો છે. ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ ટ્રમ્પ દ્વારા ચૂંટણી વચન તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, જે હવે નીતિમાં ફેરવાઈ ગયો છે. તેની મદદથી અમેરિકા ICBM, હાઇપરસોનિક અને ક્રૂઝ મિસાઇલોનું રીઅલ ટાઇમ ટ્રેકિંગ અને રિસ્પોન્સ કરવામાં સક્ષમ બનશે. અમેરિકાને સ્પેસ ડોમિનેન્સમાં આગળ વધશે. સંવેદનશીલ સિસ્ટમ હોવા છતાં તે એક હાઇ સિક્યોરિટી ડિફેન્સ સિસ્ટમ સાબિત થશે.