ન્યૂયોર્કઃ હ્યુસ્ટનના NRG ગ્રાઉન્ડમાં આયોજીત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીએ જાહેર કર્યું હતું કે, અમેરિકાની કૂટનીતિમાં ભારતનું કેટલું મહત્વપૂર્ણ સ્થાન છે. બન્નેની કેમિસ્ટ્રી કેટલી જોરદાર છે તેનું ઉદાહરણ મંગળવારે મોદી અને ટ્રમ્પની દ્વિપક્ષીય બેઠક બાદ પ્રેસ વાર્તામાં પણ જોવા મળ્યું હતું.


ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, મને તે ભારત યાદ છે જે વહેંચાયેલું હતું. ત્યાં ખૂબ જ મતભેદ અને લડાઈ હતી. પરંતુ તે બધાંને સાથે લઈને આવ્યા. જેવી રીતે એક પિતા બધાંને સાથે લઈ આવે છે. કદાચ તે ભારતના પિતા છે. આપણે તેને ‘ફાધર ઓફ ઈન્ડિયા’નું સંબોધન કરીશું.


જ્યારે ટ્રમ્પને હ્યુસ્ટન ઈવેન્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, મારી ડાબી બાજુ જે બેઠા છે. લોકો તેને પસંદ કરે છે. લોકો પાગલ થઈ જાય છે. તેઓ એલ્વિસનું અમેરિકન વર્ઝન છે. નોંધનીય છે કે એલ્વિસ પ્રેસ્લી અમેરિકન સિંગર અને એક્ટર હતાં. તેમને ‘કિંગ ઓફ રોક એન્ડ રોલ’ કહેવામાં આવતાં હતાં.


નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની દ્વીપક્ષીય વાર્તામાં અમેરિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ સામે કાર્યવાહી માટે ભારત આઝાદ છે. હકીકતમાં ભારતીય પત્રકારોએ તેમને કહ્યું હતું કે, પાકિસ્તાનના પીએમે સ્વીકાર કર્યું છે કે અલકાયદાને આઈએસઆઈએ ટ્રેનિંગ આપી છે. આ નિવેદનને તેઓ કઈ રીતે જુએ છે. જેના પર ટ્રમ્પે કહ્યું કે, નરેન્દ્ર મોદી આ બાબતને જોઈ લેશે.