અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું 'સરમુખત્યાર' નથી પણ 'ખૂબ જ બુદ્ધિશાળી' વ્યક્તિ છું. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે તેમણે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કરવા માટે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. આ નિવેદનો દ્વારા તેમણે પોતાની નીતિઓ અને નિર્ણયોને યોગ્ય ઠેરવ્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ 'આગામી સ્તરે' પહોંચી ગયું હતું. આ યુદ્ધ પરમાણુ યુદ્ધનું સ્વરૂપ લઈ શક્યું હોત. આ દરમિયાન સાત ફાઈટર જેટને તોડી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસે તેને રોકવા માટે માત્ર થોડા કલાકો હતા. મેં આ યુદ્ધ અટકાવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના પરમાણુ મથક પર બોમ્બમારો 'દોષરહિત ઓપરેશન’ હતું. આ ઓપરેશનમાં 52 ટેન્કર અને ઘણા F-22 અને B-2 બોમ્બરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમણે ટેરિફ દ્વારા યુદ્ધો અટકાવ્યા. તેમણે કહ્યું કે કોઈને ટેરિફની શક્તિ ખબર નથી. આ નીતિ ટ્રિલિયન ડોલરની આવક લાવી રહી છે.

યુક્રેન યુદ્ધ અને નાટો સાથેના સંબંધો

રશિયા-યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પે કહ્યું હતું કે, "અમેરિકા હવે યુક્રેન પર કોઈ પૈસા ખર્ચતું નથી. અમે યુક્રેન સાથે નહીં, નાટો સાથે વ્યવહાર કરીએ છીએ. અમે યુદ્ધનો અંત લાવવા માંગીએ છીએ અને આ સંદર્ભમાં વ્લાદિમીર પુતિન સાથે પણ વાત કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવું મારા માટે સૌથી સહેલું હતું, પરંતુ હવે તે જટિલ બની રહ્યું છે."

પરમાણુ નિઃશસ્ત્રીકરણ અને સુરક્ષા

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ પરમાણુ નિઃશસ્ત્રીકરણ ઇચ્છે છે અને તેમણે પુતિન સાથે પરમાણુ મિસાઇલો વિશે પણ વાત કરી છે. યુક્રેનની સુરક્ષા ગેરન્ટી અંગે ટ્રમ્પે કહ્યું હતું કે મેં હજુ સુધી તેની પ્રક્રિયાઓ પર ચર્ચા કરી નથી પરંતુ મને લાગે છે કે તેઓ ઉકેલ શોધી કાઢશે. તેમણે કહ્યું કે અમે નાટોને મિસાઇલો આપીએ છીએ અને તેઓ યુક્રેનને આપે છે. અમે હવે યુક્રેન પર પૈસા ખર્ચી રહ્યા નથી, પરંતુ કમાઈ રહ્યા છીએ.