US President Joe Biden Signs Gun Control Law: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનની સરકાર હવે અમેરિકામાં ગન ફાયરિંગની ઘટના પર લગામ લગાવવા માટે કડક પગલા લઇ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને શનિવારે ગન કંટ્રોલ કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકામાં ફાયરિંગની વધતી ઘટનાઓ બાદ આ કાયદો લાવવાની માંગ કરવામાં આવી રહી હતી. આ બિલ હેઠળ નાની ઉંમરમાં ગન ખરીદનારોના બ્રેકગ્રાઉન્ડની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. સાથે રાજ્યોને ખતરનાક ગણાતા લોકો પાસેથી હથિયારો પરત લેવાનો અધિકાર આપવામાં આવશે.


અમેરિકામાં ગન કલ્ચર પર અંકુશ લગાવવા માટે આ કાયદાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. અમેરિકી સેનેટે ગુરુવારે આ ગન કંટ્રોલ બિલ પાસ કર્યું છે. રાષ્ટ્રપતિ બાઇડને કહ્યું હતું કે આનાથી ઘણા લોકોના જીવ બચી જશે.


ગન કંન્ટ્રોલ બિલ પર હસ્તાક્ષર


અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને યુરોપમાં મુખ્ય રાજદ્વારી સમિટ માટે રવાના થતાં પહેલાં વ્હાઇટ હાઉસમાં કહ્યું હતું કે આ બિલ તે બધુ કરતું નથી જે હું ઇચ્છું છું. પરંતુ આ બિલમાં એ તમામ બાબતોને આવરી લેવામાં આવી છે જેની હું લાંબા સમયથી માંગ કરી રહ્યો છું અને તે જીવ બચાવવા માટે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે હવે લોકોના જીવ બચી જશે. ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોનો ઉલ્લેખ કરતા બાઇડને કહ્યું હતું કે અમારે આના પર કંઈક કરવાનું હતું, જે અમે કર્યું.


બંદૂક ખરીદનારાઓની કડક તપાસ કરવામાં આવશે


સેનેટે ગુરુવારે બિલ પસાર કર્યા પછી શુક્રવારે ગૃહ દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવી હતી અને બાઇડને યુરોપમાં બે સમિટ માટે રવાના થતા પહેલા તેના પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદો સૌથી નાની વયના બંદૂક ખરીદનારાઓના બ્રેકગ્રાઉન્ડની કડક તપાસ કરવાનો અધિકાર આપશે. આ સાથે રાજ્યોને ખતરનાક ગણાતા લોકો પાસેથી હથિયારો પરત લેવાનો અધિકાર આપવામાં આવશે. આ સિવાય સ્કૂલોની સુરક્ષા, માનસિક સ્વાસ્થ્ય અને હિંસા નિવારણ માટેના કાર્યક્રમો માટે ભંડોળ પૂરું પાડવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ગન ફાયરિંગની ઘટના સામાન્ય બની ગઇ છે. ફાયરિંગમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્કૂલોમાં બનેલી ફાયરિંગની ઘટનામાં અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં 19 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોએ  જીવ ગુમાવ્યો હતો.