અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. લાસ વેગાસમાં યુનિડોસસયુએસ કોન્ફરન્સમાં તેમના ભાષણ પહેલા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પોઝિટીવ આવ્યા હતા. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરીન જીન પિયરે આ અંગે માહિતી આપી હતી.






કોરોનાની રસી આપવામાં આવી


તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિને કોવિડની રસી આપવામાં આવી છે. તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે.  તેઓ ડેલાવેયર પરત ફરશે. જ્યાં તેમને આઇસોલેટ રહેશે. પ્રેસ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન તેઓ તેમના તમામ કામો કરતા રહેશે. વ્હાઇટ હાઉસ રાષ્ટ્રપતિની તબિયત અંગે નિયમિત અપડેટ આપશે.






વ્હાઇટ હાઉસે કહ્યું કે બાઇડનમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. તેમનો શ્વસન દર 16 પર સામાન્ય છે, તેમનું તાપમાન 97.8 છે અને તેમની પલ્સ ઓક્સિમેટ્રી 97 ટકા પર સામાન્ય છે. રાષ્ટ્રપતિને પેક્સલોવિડનો પ્રથમ ડોઝ અપાયો છે. તે રેહોબોથમાં તેમના ઘરે આઇસોલેટમાં રહેશે. રાષ્ટ્રપતિના ડોક્ટર કેવિન ઓ'કોનરે બાઇડનની તબિયત અંગેની જાણકારી આપી હતી.


ચૂંટણી પ્રચારને પણ અસર થશે


આ દિવસોમાં અમેરિકામાં ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. બાઇડન ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. આવી સ્થિતિમાં, તેમના કોરોના પોઝિટીવ થવાથી ચૂંટણી પ્રચાર પર અસર થશે. મળતી માહિતી મુજબ તેઓ બુધવારે બપોરે લાસ વેગાસમાં યુનિડોસ ઈવેન્ટમાં ભાષણ આપવાના હતા.


2022માં પણ કોરોના પોઝિટીવ થયા હતા.


અગાઉ જુલાઈ 2022 માં યુએસ પ્રમુખ જો બાઇડન કોવિડ -19 પોઝિટિવ થયા હતા. બાઇડને અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળતા પહેલા જ ફાઈઝરની કોવિડ રસીના બંને ડોઝ લીધા હતા. આ પછી બાઇડને સપ્ટેમ્બર 2021માં પ્રથમ બૂસ્ટર ડોઝ લીધો હતો અને માર્ચ 2022માં રસીનો વધુ એક ડોઝ લીધો હતો.