US Presidential Debate: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે પ્રેસિડેન્શિયલ ડિબેટ યોજાઇ હતી. સમગ્ર ડિબેટમાં ગર્ભપાતનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. જે દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ગર્ભપાતના મુદ્દે ડેમોક્રેટ્સને 'કટ્ટરપંથી' ગણાવ્યા હતા. બીજી તરફ કમલા હેરિસે ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું હતું કે ટ્રમ્પ રાષ્ટ્રીય ગર્ભપાત પ્રતિબંધ યોજના પર કામ કરી રહ્યા છે. ટ્રમ્પે ડેમોક્રેટિકની ગર્ભપાત નીતિઓની ટીકા કરી હતી જ્યારે હેરિસે તેમની ગર્ભપાત વિરોધી સુપ્રીમ કોર્ટની નિમણૂકોનો ઉલ્લેખ કર્યો હતો.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચેની ડિબેટ બુધવારે ગર્ભપાતના અધિકારો, અર્થતંત્ર અને સરહદી મુદ્દાઓ પર ચર્ચા સાથે શરૂ થઈ હતી.
અમેરિકામાં મતદાતાઓ માટે ગર્ભપાતને સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પૈકીના એક તરીકે ચર્ચા કરતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટ્સ આ મુદ્દે 'કટ્ટરપંથી' છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે હેરિસના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટિમ વાલ્ઝે ખાસ કરીને નવમા મહિનામાં ગર્ભપાતની હિમાયત કરી છે. હેરિસે કહ્યું કે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની નિમણૂક કરી હતી જેમણે બે વર્ષ પહેલા ગર્ભપાતના રાષ્ટ્રીય અધિકારને ખતમ કરી દીધો હતો.
ચર્ચાની શરૂઆત અર્થવ્યવસ્થા સંબંધિત સવાલથી થઇ હતી. જેના જવાબમાં કમલા હેરિસે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ 'અરબપતિઓ અને કોર્પોરેશનો માટે ટેક્સમાં કાપ' મુકશે. કમલા હેરિસે કહ્યું કે બાઇડન સરકારમાં ગુનાખોરી વધવાની વાત કરાઇ રહી છે પરંતુ ફેડરલ આંકડા તેનાથી વિરુદ્ધ છે. હેરિસે કહ્યું કે ટ્રમ્પ પર રાષ્ટ્રીય સુરક્ષાના ગુનાઓ, આર્થિક ગુનાઓ અને ચૂંટણીમાં હસ્તક્ષેપ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડન પર નિશાન સાધ્યું હતું. કમલા હેરિસે કહ્યું કે ટ્રમ્પે યાદ રાખવું જોઈએ કે તેઓ બાઇડન સામે નહી પરંતુ કમલા હેરિસ સામે ચૂંટણી લડી રહ્યા છે. યુક્રેન યુદ્ધ પર બોલતા ટ્રમ્પે કહ્યું કે કમલા હેરિસ યુક્રેન-રશિયા યુદ્ધ ખતમ કરવામાં નિષ્ફળ રહી છે. હેરિસે કહ્યું કે નાટો સહયોગી ખુશ છે કે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ નથી. કમલા હેરિસે કહ્યું કે વ્લાદિમીર પુતિન સરમુખત્યાર છે અને તેઓ ટ્રમ્પને લંચમાં ખાઇ જશે. ટ્રમ્પે કમલા હેરિસને અમેરિકાના ઈતિહાસની સૌથી ખરાબ ઉપરાષ્ટ્રપતિ ગણાવી હતી.
ટ્રમ્પે કહ્યું કે જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો ગાઝા સંઘર્ષ શરૂ થયો ન હોત. ટ્રમ્પે કહ્યું કે જો કમલા હેરિસ રાષ્ટ્રપતિ બનશે તો બે વર્ષમાં ઈઝરાયલનું અસ્તિત્વ ખતમ થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કમલા હેરિસ અરબ અને ઈઝરાયલને નફરત કરે છે. ટ્રમ્પે વચન આપ્યું હતું કે જો તેઓ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો ગાઝામાં જલદી યુદ્ધવિરામ થશે.