US-China Tariff Agreement: અમેરિકા અને ચીન આખરે વેપાર યુદ્ધ ઘટાડવા માટે એક કરાર પર પહોંચ્યા છે. વોશિંગ્ટન અને બેઇજિંગ બંને પારસ્પરિક ટેરિફ ઘટાડવાના કરાર પર સહમત થયા છે. બંને દેશો આગામી 90 દિવસ માટે એકબીજા પર લાદવામાં આવતા પારસ્પરિક ટેરિફમાં 115% ઘટાડો કરશે. અમેરિકા અત્યાર સુધી ચીનથી આવતા માલ પર 145 % ટેરિફ લાદતું હતું, તેથી હવે તે 90  દિવસ માટે ઘટાડીને 30 % કરવામાં આવશે. જ્યારે, ચીને અમેરિકન માલ પર 125% ટેરિફ લાદ્યો હતો, જે ઘટાડીને માત્ર 10 % કરવામાં આવશે.

જીનીવામાં ચીની અધિકારીઓ સાથેની વાતચીત બાદ યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે મીડિયાને જણાવ્યું હતું કે બંને દેશો 90 દિવસ માટે ટેરિફ સ્થગિત કરવા માટે સહમત થયા છે અને પારસ્પરિક ટેરિફમાં 115 ટકાનો ઘટાડો કરવામાં આવશે. બેસેન્ટે કહ્યું,  "અમે  ચીનના બજારને અમેરિકન માલ માટે વધુ ખુલ્લું જોવા માંગશું. "   

આ જાહેરાત બાદ, ચીનના વાણિજ્ય મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે અમેરિકા વેપાર પર "ચીન સાથે કામ કરવાનું ચાલુ રાખશે". તેમના વતી કહેવામાં આવ્યું છે કે ટેરિફ ઘટાડો "દુનિયાના સામાન્ય હિત" ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

આ જાહેરાત ચીન અને અમેરિકા વચ્ચે  સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાં ગત સપ્તાહે થયેલી વેપાર વાટાઘાટો બાદ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં આવતા ચીની માલ પર ભારે ટેરિફ લાદીને વેપાર યુદ્ધ શરૂ કર્યા પછી બંને દેશો વચ્ચે આ પહેલી બેઠક હતી.

ચીન અને અમેરિકા વચ્ચે કયો કરાર થયો છે ?

આ કરાર પછી, એક સંયુક્ત નિવેદનમાં પુષ્ટિ આપવામાં આવી હતી કે ટેરિફમાં આ 90 દિવસનો ઘટાડો 14 મેથી શરૂ થશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે બંને દેશો "આર્થિક અને વેપાર સંબંધો પર ચર્ચા ચાલુ રાખવા માટે એક પદ્ધતિ સ્થાપિત કરશે". સ્કોટ બેસન્ટ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે નાયબ વડા પ્રધાન હે લિફેંગ ચીની સરકારનું પ્રતિનિધિત્વ કરશે. બંને દેશો વચ્ચે વધુ વાટાઘાટો અમેરિકા, ચીન અથવા કોઈપણ સંમત તૃતીય પક્ષ દેશમાં થઈ શકે છે.