US visa bond policy 2026: અમેરિકા જવા માંગતા લોકો માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર છે. અમેરિકાએ પોતાના વિઝા બોન્ડ પ્રોગ્રામને હવે કાયમી ધોરણે લાગુ કરી દીધો છે. આ નવા નિયમ મુજબ, અમુક દેશોના નાગરિકોએ B-1 (બિઝનેસ) અને B-2 (ટૂરિસ્ટ) વિઝા લેતા પહેલા 20,000 ડોલર સુધીનો તોતિંગ બોન્ડ જમા કરાવવો પડી શકે છે. જોકે, સૌથી મોટી રાહતની વાત એ છે કે હાલ પૂરતું ભારત આ દેશોની યાદીમાં સામેલ નથી, તેથી ભારતીયોને આ નવા નિયમની સીધી કોઈ જ અસર નહીં થાય. આ લેખમાં આપણે સમજીશું કે આખો નિયમ શું છે અને શા માટે તેને લાગુ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

50 દેશો માટે નવો નિયમ, 3 ઓગસ્ટથી અમલ

અમેરિકન સરકારે વિદેશી નાગરિકો માટે વિઝાના નિયમો વધુ કડક બનાવ્યા છે. શુક્રવારે ફેડરલ રજિસ્ટરમાં એક નોટિસ બહાર પાડીને આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ નવો નિયમ 3 ઓગસ્ટથી લાગુ થઈ જશે. ખાસ કરીને 50 દેશોના B-1 અને B-2 વિઝા માંગતા અરજદારો પર આ નિયમ લાગુ પડશે, જેમાંના મોટાભાગના દેશો આફ્રિકા ખંડના છે. હવેથી અમેરિકન કોન્સ્યુલર અધિકારીઓ પાસે સત્તા રહેશે કે તેઓ વિઝા આપતા પહેલા પોતાની મરજી મુજબ અરજદાર પાસેથી 20,000 ડોલર સુધીનો બોન્ડ જમા કરાવવાની માંગણી કરી શકે.

Continues below advertisement

કેવી રીતે શરૂ થયો હતો આ પાયલોટ પ્રોગ્રામ?

તમને જણાવી દઈએ કે, આ વિઝા બોન્ડ પ્રોગ્રામ કોઈ રાતોરાત લેવાયેલો નિર્ણય નથી. સૌથી પહેલા વર્ષ 2025 માં તેને એક પાયલોટ પ્રોજેક્ટ (પ્રાયોગિક ધોરણે) તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ એ ચકાસવાનો હતો કે જો લોકો પાસેથી અગાઉથી જ મોટી રકમ નાણાકીય બોન્ડ તરીકે જમા કરાવી લેવામાં આવે, તો શું વિઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાઈ જનારા લોકોની સંખ્યા ઘટે છે કે કેમ.

આ પણ વાંચોઃ અમેરિકાના સ્ટુડન્ટ વિઝા નિયમોમાં મોટો ફેરફાર: 15 સપ્ટેમ્બરથી ભારતીયો પર પડશે અસર

પ્રોગ્રામ કેમ કાયમી કરાયો અને ભારતનું સ્ટેટસ શું છે?

યુએસ સરકાર અને રોઇટર્સના રિપોર્ટ મુજબ, આ પાયલોટ પ્રોગ્રામનું પરિણામ સરકાર માટે ખૂબ જ સકારાત્મક જોવા મળ્યું હતું. 2025 ના આ પ્રોગ્રામે સ્ટેટ ડિપાર્ટમેન્ટ, હોમલેન્ડ સિક્યોરિટી અને ટ્રેઝરી વિભાગને એ વાતની ખાતરી કરાવી દીધી કે વિઝાના નિયમોનું કડક પાલન કરાવવા માટે આ બોન્ડ સિસ્ટમ એકદમ અસરકારક રસ્તો છે. ભારતીયો માટે અત્યારે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે આપણો દેશ આ યાદીમાં નથી. એટલે કે, ભારતીય નાગરિકોએ B-1 કે B-2 વિઝા માટે અરજી કરતી વખતે હાલમાં કોઈ જ વિઝા બોન્ડ જમા કરાવવાની જરૂર નથી.

ટ્રમ્પ વહીવટીતંત્રની મોટી ઝુંબેશ

આ આખો પ્રોગ્રામ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઇમિગ્રેશન ઝુંબેશનો જ એક મોટો ભાગ માનવામાં આવે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એવો પણ ઈશારો કર્યો છે કે ભવિષ્યમાં આ પ્રોગ્રામનો વ્યાપ વધારીને તેમાં ભારત સહિતના અન્ય દેશોને પણ સામેલ કરવામાં આવી શકે છે. જ્યારે આ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે કોન્સ્યુલર અધિકારીઓ અરજદારો પાસે 5,000, 10,000 અથવા 15,000 ડોલરનો બોન્ડ માંગતા હતા. પણ હવે આકરા પગલાં લેતા 5,000 ડોલરનો વિકલ્પ સાવ કાઢી નાખવામાં આવ્યો છે અને વધુમાં વધુ રકમ વધારીને સીધી 20,000 ડોલર કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ શું ભારતીય IT એન્જિનિયરો માટે અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પના નેતાઓએ રજૂ કર્યું ખતરનાક બિલ!

શું છે આ નિયમ પાછળનો અસલી હેતુ?

અમેરિકન અધિકારીઓનું સ્પષ્ટ માનવું છે કે આ નીતિ પાછળનો મુખ્ય હેતુ એવા લોકોને રોકવાનો છે જેઓ વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવા લાગે છે. બીજી તરફ, ઇમિગ્રેશનના નિષ્ણાતો અને હિમાયતીઓ આ નિયમનો વિરોધ કરતા કહે છે કે આનાથી સાચા બિઝનેસમેન કે ફરવા આવનારા પ્રવાસીઓ પણ હેરાન થશે અને તેઓ અમેરિકા આવવાનું ટાળશે. નોંધનીય છે કે ટ્રમ્પ પ્રશાસને છેલ્લા કેટલાક સમયમાં ઇમિગ્રેશનના નિયમો ઘણા કડક કર્યા છે, જેમાં અમુક વિઝાની ફીમાં વધારો કરવો અને અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો પણ સમાવેશ થાય છે.