US Walmart Store Shooting: અમેરિકામાં, વર્જિનિયાના ચેસાપીકમાં વોલમાર્ટ સ્ટોરમાં સામૂહિક ગોળીબારમાં 10 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબારની જાણ થતાં, ચેસાપીક પોલીસે વોલમાર્ટમાં કથિત શૂટરને પકડવાના પ્રયાસો કર્યા અને તેના પર ગોળીબાર કર્યો.
પોલીસનો દાવો - શૂટર માર્યો ગયો
ચેસપીક પોલીસ વિભાગનું કહેવું છે કે લગભગ 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ બિલ્ડિંગની તપાસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે ગોળીબાર કરનાર ઠાર કર્યો છે, પરંતુ લોકોને હાલ બિલ્ડિંગથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે રાત્રે 10:12 વાગ્યે ફાયરિંગની માહિતી આપતો કોલ આવ્યો હતો.
મીડિયા આઉટલેટ WAVY ના મિશેલ વુલ્ફ અહેવાલ મુજબ વોલમાર્ટ સ્ટોરની બહાર ભારે પોલીસ દળ હજુ પણ તૈનાત છે, આ સાથે 40થી વધુ ઈમરજન્સી વાહનોને પણ ઈમારતની બહાર તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. પોલીસ વિભાગે સ્થાનિક લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવા જણાવ્યું છે.
'મેનેજરે કર્મચારીઓ પર ફાયરિંગ કર્યું'
DailyMail.com પર પ્રકાશિત અહેવાલ અનુસાર, સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ફાયરિંગ કરનાર વ્યક્તિ સ્ટોરનો મેનેજર હતો. મેનેજરે બ્રેક રૂમમાં ઘૂસીને સ્ટોરના અન્ય કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો.
અમેરિકામાં સામૂહિક ગોળીબાર
અમેરિકામાં સામૂહિક ગોળીબારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકાના એક યા બીજા શહેરમાંથી દરરોજ સામૂહિક ગોળીબારના સમાચાર આવે છે. માત્ર બે દિવસ પહેલાં, કોલોરાડો સ્પ્રિંગ્સમાં એક ગે નાઈટક્લબની અંદર એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા અને 18 ઘાયલ થયા હતા.