વૉશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના પ્રસારની વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સાથેના પોતાના દેશના તમામ સંબંધો તોડી નાંખ્યા છે, આ વાતની જાણકારી અધિકારીક રીતે સંયુક્ત રાષ્ટ્રને આપી દીધી છે. અધિકારીઓએ વાતની માહિતી આપી છે.


અમેરિકા WHO પર સતત કૉવિડ-19ને લઇને ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવતુ રહ્યું છે, આ વૈશ્વિક મહામારી ગયા વર્ષે ચીનના વુહાન શહેરમાંથી શરૂ થઇ હતી. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે સ્વાસ્થ્ય સંગઠને દુનિયાને ગુમરાહ કર્યુ જેના કારણે આ વાયરસ દુનિયાભરમાં પાંચ લાખથી વધુ લોકોનો જીવ લઇ ચૂક્યો છે. જેમાં 130000થી વધુ લોકો તો અમેરિકાના જ છે.

ટ્રમ્પ પ્રશાશને સંબંધોની સમીક્ષા શરૂ કર્યા બાદ અમેરિકાએ એપ્રિલમાં જ WHOને ફંડ આપવાનુ બંધ કરી દીધુ હતુ. આના એક મહિના બાદ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સાથે સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકા WHOને સૌથી વધુ ફંડ 45 કરોડ ડૉલરથી વધુ દર વર્ષે આપે છે. જ્યારે ચીનનુ યોગદાન અમેરિકાના યોગદાનના દસમા ભાગના બરાબર છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે એક નિવેદનમાં કહ્યું- હું કહી શકુ છું કે 6 જુલાઇ 2020એ અમેરિકાએ મહાસચિવને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનથી નીકળી જવાની સત્તાવાર જાણકારી આપી જે 6 જુલાઇ 2021થી પ્રભાવી થશે.

દુજારિકે કહ્યું કે મહાસચિવ WHOની સાથે આ વાતની પુષ્ટી કરી રહ્યાં છે કે સંગઠનથી નીકળવાની તમામ પ્રક્રિયા પુરી થઇ ગઇ કે નહીં. અમેરિકા 21 જુન 1948થી WHOના બંધારણનુ પક્ષકાર રહ્યું છે.