અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટ રશિયામાં રહેતા તેના તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા માટે કહ્યું છે. જ્યારથી રશિયામાં એક અમેરિકન નાગરિકની અટકાયત કરવામાં આવી છે, ત્યારથી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ચિંતિત છે અને તેના તરફથી આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
જાસૂસીનો આરોપો
તાજેતરમાં જ એક અમેરિકન પત્રકારની રશિયામાં જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પત્રકાર વોલ સ્ટ્રીટ જર્નલ માટે કામ કરે છે. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2022 માં યુક્રેનમાં રશિયન હુમલાની શરૂઆત પછી રશિયામાં કોઈપણ આંતરરાષ્ટ્રીય પત્રકાર સામે આ પ્રકારની પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે. વાસ્તવમાં, શીત યુદ્ધ પછીથી કોઈપણ અમેરિકન ન્યૂઝપેપર પર આવી જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો નથી.
આ કારણે હવે જ્યારે રશિયામાં આવી કાર્યવાહી થઈ છે ત્યારે અમેરિકા તેનાથી ચિંતિત છે અને તેણે રશિયાને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સાથે તેના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તમામ અમેરિકન નાગરિકોને રશિયા છોડી દેવા માટે કહ્યું છે. બીજી તરફ જે લોકો રશિયા જવાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ ટ્રિપ કેન્સલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
રશિયાની દલીલ શું છે?
પત્રકાર ગેર્શકોવિચ બાસ્કેટબોલ સ્ટાર બ્રિટની ગ્રાઇનર પછી રશિયા દ્વારા ધરપકડ કરાયેલા સૌથી હાઈ-પ્રોફાઈલ અમેરિકન નાગરિક છે. ગ્રાઇનરને રાજધાની મોસ્કોમાં કેનાબીસ ઓઇલ (નશીલો પદાર્થ) સાથે પકડવામાં આવ્યો હતો. રશિયાએ કેદીઓના વિનિમય કરાર હેઠળ ગ્રાઇનરને મુક્ત કર્યો હતો. રશિયન સુરક્ષા એજન્સી એફએસબીએ કહ્યું છે કે અમેરિકન નાગરિક ગેર્શકોવિચ ઇવાનની ગેરકાયદેસર ગતિવિધિઓને કારણે ધરપકડ કરવામાં આવી છે. ગેર્શકોવિચ પર જાસૂસીની શંકા છે. એ અલગ વાત છે કે વોલ સ્ટ્રીટ જર્નલે આ તમામ દાવાઓને ફગાવી દીધા છે.
અત્યારે તો અમેરિકાએ પણ બેફામ કહી દીધું છે કે તે રશિયામાં મીડિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોથી નારાજ છે અને તેની સ્વતંત્રતા માટે લડતું રહેશે. બીજી તરફ રશિયાએ સુરક્ષાના નામે અનેક લોકોની ધરપકડ કરી છે. રશિયામાં ઘણા લોકોના શંકાસ્પદ મૃત્યુને લઈને વિવાદ ચાલુ છે.
યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે તેઓ બેલારુસમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો તૈનાત કરવા જઈ રહ્યા છે. 1990 પછી આ પ્રથમ વખત હશે જ્યારે રશિયા તેની સરહદની બહાર પરમાણુ હથિયારો તૈનાત કરશે. પુતિને આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે યુક્રેનમાં યુદ્ધના કારણે પશ્ચિમી દેશો સાથે તેમનો તણાવ વધી રહ્યો છે. પુતિને શનિવારે ટીવી પર જાહેરાત કરી હતી કે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો લાંબા સમયથી વ્યૂહાત્મક પરમાણુ હથિયારો તૈનાત કરવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. બેલારુસ પોલેન્ડ સાથે સરહદ ધરાવે છે, જે નાટોનો સભ્ય છે.