Pakistani man kicks Fligh window Glass: વિમાન આકાશમાં હોય ત્યારે ઘણા પ્રકારની કુદરતી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. પરંતુ હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પાકિસ્તાનના પેશાવર થી દુબઈ જતી એક ફ્લાઈટમાં યુવકે એવી હરકત કરી કે બાકીના બધા યાત્રીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ પાકિસ્તાની યુવકે ઉડી રહેલી ફ્લાઈટની બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.


યુવકની હવાઈ મુસાફરી પર પ્રતિબંધઃ


પેશાવરથી દુબઈ જઈ રહેલા આ પાકિસ્તાની યુવકે કરેલા આ કાંડની તેને સજા પણ ભોગવવી પડી છે અને તેને બીજા દિવસે પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે આ યુવકની હવાઈ મુસાફરી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્લેનની બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કરનાર આ પાકિસ્તાની યુવકની માનસિક સ્થિતિ બિલકુલ સારી નહોતી.


યુવકે એક મુસાફર ઉપર હુમલો પણ કર્યોઃ


પ્લેનમાં હંગામો મચાવનાર વ્યક્તિ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ ટેકઓફ થતાં જ આ યુવકે પોતાના રંગ બતાવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પ્લેનના સ્ટાફ મેમ્બર્સે રોકવાનો પ્રયાસ કર્યો તો તે ગુસ્સે થઈ ગયો અને પ્લેનમાં તોડફોડ શરૂ કરી હતી. આ યુવક આટલેથી રોકાયો નહોતો અને તેણે પ્લેનની બારી પર પણ હુમલો કરીને તેને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે તેણે પ્લેનમાં સવાર બીજા એક મુસાફર ઉપર હુમલો પણ કર્યો હતો. મળતી માહિતી મુજબ આ બનાવ પેશાવરથી દુબઈ જતી PK-283 ફ્લાઈટમાં બન્યો હતો.






જ્યારે પ્લેનના સમગ્ર ક્રૂ અને મુસાફરો આ વ્યક્તિથી નારાજ થઈ ગયા, ત્યારે તેઓએ બળજબરીથી તેના હાથમાં હાથકડી પહેરાવીને તેને એક ખૂણામાં બેસાડી દીધો હતો. ત્યારબાદ દુબઈ પહોંચતાની સાથે જ એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેના તમામ દસ્તાવેજો રદ કરીને બીજા દિવસે તેને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યો હતો.