કીવઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ભીષણ થઇ રહ્યું છે. શુક્રવારે યુક્રેનના રસ્તાઓ પર રશિયન ટેન્ક જોવા મળી હતી. રશિયન ટેન્કો સામે આવી રહેલી તમામ લોકો અને વસ્તુઓને કચડીને આગળ વધી રહી હતી. સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં રશિયન ટેન્ક રસ્તા પર રહેલી કારોને કચડતી આગળ વધી રહી છે.






 આવી જ એક ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક કચડાઇ ગયેલી કારના દરવાજાને છથી  સાત લોકો ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારને રશિયન ટેન્કે કચડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, સુખઃદ વાત એ રહી કે કારમાં સવાર વૃદ્ધનો જીવ બચી ગયો હતો. જોકે,  તે કારમાં ફસાયા હતા અને તેને કાઢવાનો યુવકો પ્રયાસ કરી રહ્યા હતા.






 કારની આસપાસ રહેલા યુવકો કારનો ગેટ ખોલીને વૃદ્ધને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે લોકોને લોખંડના સળીયાથી ગેટને તોડવાનો પ્રયાસ પણ કરતા જોઇ શકાય છે. આ વીડિયો ઝડપથી ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે.






નોંધનીય છે કે રશિયાએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. શુક્રવારે રશિયાએ હુમલાઓ વધારી દીધા છે. રશિયાના હુમલા પાછળ યુક્રેન અને નાટો દેશો વચ્ચેના સારા સંબંધો છે. રશિયાએ અમેરિકા પાસે એ વાતની ગેરંન્ટી માંગી હતી કે યુક્રેનને  નાટો દેશના  સભ્ય બનાવવામાં ના આવે પરંતુ અમેરિકાએ આ વાતનો ઇનકાર કરી દીધો હતો.


નોંધનીય છે કે યુક્રેને દાવો કર્યો હતો કે રશિયન દળો રાજધાની કિવની બહારના વિસ્તારોમાં પહોંચી ગયા છે.  તેમણે એક અથડાણમાં રશિયાના 60 જેટલા સૈનિકોને મારી નાખ્યા છે.