સોશિયલ મીડિયા પર  એક પોલીસકર્મીનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુગાન્ડામાં નવનિયુક્ત પોલીસ પ્રવક્તાએ પત્રકાર પરિષદ દરમિયાન અસંગત પ્રશ્નો પૂછવા બદલ એક પત્રકારને ગુલેલ વડે પથ્થર માર્યો હતો. ઘણા ટ્વિટર યુઝર્સે આ તસવીર શેર કરી છે. તસવીરમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીએ હાથમાં ગુલેલ છે. પોલીસકર્મીના ચહેરા પર માસ્ક છે. ઘણા માઈક તેની સામે રાખવામાં આવ્યા છે અને એવું લાગે છે કે પોલીસકર્મી ગુલેલથી મારવાની તૈયારી કરી રહ્યો છે.


આ તસવીર શેર કરતા ટ્વિટર યુઝરે લખ્યું, "યુગાન્ડાના નવનિયુક્ત પોલીસ પ્રવક્તાએ અપ્રસ્તુત પ્રશ્નો પૂછવા બદલ પત્રકારને ગુલેલથી માર્યો." અન્ય એક ટ્વિટર યુઝરે પણ આવા જ દાવા સાથે તસવીર શેર કરી છે. 


 






સવાલ એ છે કે શું ખરેખર પોલીસ પ્રવક્તાએ પત્રકાર પર હુમલો કર્યો હતો? તો અમે તમને જણાવી દઈએ કે આ દાવો ખોટો છે. યુગાન્ડામાં કોઈ પોલીસ પ્રવક્તાએ પત્રકારને ગુલેલ વડે માર્યો નથી. આ તસવીર ગયા વર્ષની છે, જ્યારે પોલીસે કંપાલમાં ખતરનાક ગુલેલોનો જથ્થો ઝડપ્યો હતો. ત્યારપછી પોલીસ પ્રવક્તા ફ્રેડ ઈનાંગાએ પ્રેસ કોન્ફરન્સમાં ગુલેલના જોખમો વિશે માહિતી આપી હતી.


આ તસવીર વાસ્તવમાં 2021ની પ્રેસ બ્રીફિંગમાંથી લેવામાં આવી હતી અને તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાંથી નહીં, જેમ કે દાવો કરવામાં આવ્યો હતો. યુગાન્ડાની પોલીસ દ્વારા જ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે કેન્યાના વકીલ અહમદનાસિર અબ્દુલ્લાહીએ ખોટા દાવા સાથે તસવીર શેર કરીને યુગાન્ડાની પોલીસને આડે હાથ લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ  પોલીસ વિભાગના સત્તાવાર ટ્વિટર હેન્ડલે તેને ફેક ન્યૂઝ ગણાવ્યું.