Indian Passport : ભારતનો પાસપોર્ટ વધુ મજબૂત બન્યો છે. ગયા વર્ષની સરખામણીમાં તે 5 સ્થાન ઉપર આવ્યો છે. આ સાથે જ વિદેશમાં ફરવા ઈચ્છુક ભારતીયોને પણ ભારે લાભ થશે. હવેથી ભારત દેશના નાગરિકો 57 દેશોમાં વિઝા વગર જ મુક્તપણે ફરી શકશે. જાહેર કરાયેલ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ રેન્કિંગમાં ભારત હવે 80માં સ્થાને પહોંચી ગયું છે, જે વર્ષ 2022માં જાહેર કરાયેલા રિપોર્ટથી 5 સ્થાન ઉપર છે.
ભારતની વર્તમાન રેન્કિંગ ટોગો અને સેનેગલ જેવા દેશોની સમાન સ્તરે પહોંચી ગઈ છે. આ રેન્કિંગ માટેના આંકડા ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પાસેથી લેવામાં આવ્યા છે. હવે ભારતીય નાગરિકોને 57 દેશોમાં વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઈવલ એક્સેસ મળ્યું છે. તેનો અર્થ એ થાય કે તમે માત્ર પાસપોર્ટ લઈને જ દુનિયાના 57 દેશોમાં ફરી શકશો. ત્યાં જવા માટે વિઝાની જરૂર નહીં પડે. અમુક દેશોમાં જરૂર પડે તો પણ એરપોર્ટ પર પહોંચતા જ વિઝા આપવામાં આવશે.
તમે કયા કયા દેશોની મુલાકાત લઈ શકશો?
ભારતીય નાગરિકો હવે માત્ર પાસપોર્ટનો ઉપયોગ કરીને ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, રવાન્ડા, જમૈકા, શ્રીલંકા જેવા દેશોમાં જઈ શકશે. જો કે, તેમને 177 દેશોમાં પ્રવેશવા માટે હજુ પણ વિઝાની જરૂર પડશે. આ દેશોમાં ચીન, જાપાન, રશિયા, અમેરિકા અને યુરોપિયન યુનિયનના તમામ દેશોનો સમાવેશ થાય છે. ભારતીય નાગરિકોએ આ દેશોમાં વિઝા માટે અરજી કરવી પડશે, પરંતુ કેટલાક દેશો ત્યાં પહોંચ્યા પછી એરપોર્ટ પર જ આ વિઝા ઉપલબ્ધ કરાવી દેશે.
પાસપોર્ટમાં કોણ નંબર વન?
ઘણા વર્ષોથી નંબર વન પર રહેલું જાપાન આ વખતે જાહેર કરાયેલા ઈન્ડેક્સમાં સરકી ગયું છે. હવે તેનું સ્થાન સિંગાપોરે લઈ લીધું છે અને પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જાપાન હવે વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ નથી રહ્યો. સિંગાપોરને આ તાજ મળતાની સાથે જ તેના નાગરિકોને વિઝા વિના વિશ્વના 192 દેશોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ રિપોર્ટમાં 227 દેશો અને 199 પાસપોર્ટ સામેલ કરવામાં આવ્યા છે.
જાપાન 5 વર્ષ સુધી ટોચ પર રહ્યું અને હવે…
એશિયન દેશ જાપાનનો પાસપોર્ટ 5 વર્ષ સુધી વિશ્વનો સૌથી મજબૂત પાસપોર્ટ રહ્યો. આ વખતે તે જાહેર કરવામાં આવેલી યાદીમાં ત્રીજા સ્થાને સરકી ગયો છે. એક દાયકા પહેલા સુધી આ યાદીમાં ટોચ પર રહેતું અમેરિકા હવે ઘટીને 8મા સ્થાને આવી ગયું છે. બ્રેક્ઝિટ બાદ સરકી ગયેલું યુકે હવે બે સ્થાન ઉપર ચઢીને ચોથા નંબરે પહોંચી ગયું છે. આ યાદીમાં સૌથી નીચે અફઘાનિસ્તાન છે, જેના નાગરિકો વિઝા વગર 27 દેશોની મુલાકાત લઈ શકે છે.