Wagner Mutiny: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં ગૃહયુદ્ધની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. કારણ છે રશિયાની ખાનગી સેના વેગનરનો બળવો. વેગનરે પોતાની જ સરકાર સામે મોરચો ખોલ્યો અને સ્પષ્ટ કહ્યું કે દેશને ટૂંક સમયમાં નવા રાષ્ટ્રપતિ મળવા જઈ રહ્યા છે. વેગનર જૂથના વડા, યેવજેની પ્રિગોઝિન, તેમના 25,000 સૈનિકો સાથે રાજધાની મોસ્કો તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે બેલારુસના રાષ્ટ્રપતિએ મધ્યસ્થી કરવાનું કાર્ય હાથમાં લીધું. જો કે, આ કરાર પહેલા જ રશિયામાં દિવસભર હલચલ મચી ગઈ હતી.


 






યેવજેની પ્રિગોઝિને તેમના લડવૈયાઓને તેમના બેઝ પર પાછા ફરવાનો આદેશ આપ્યો છે. યુક્રેનના અંગ્રેજી અખબાર ધ કિવ ઈન્ડિપેન્ડન્ટએ વેગનરના ચીફ યેવજેની પ્રિગોઝિનને ટાંકીને કહ્યું કે તેઓ રશિયાની રાજધાની મોસ્કો તરફ કૂચ નહીં કરવા માટે સંમત થયા છે.


એલેક્ઝાંડર લુકાશેન્કોએ પ્રિગોઝિન સાથે વાતચીત કરી


આ વિદ્રોહની વચ્ચે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ પ્રિગોઝિન સાથે વાતચીત કરી છે. પ્રિગોઝિને રશિયામાં વેગનર સૈનિકોની હિલચાલ રોકવા અને તણાવ ઘટાડવા માટે લુકાશેન્કોની દરખાસ્ત સ્વીકારી છે. બેલારુસિયન રાષ્ટ્રપતિએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે પ્રિગોઝિન અત્યારે બળવો કરશે નહીં. પ્રિગોઝિનની સેના હવે તેના બેઝ પર પાછી ફરી રહી છે.


મેયરે રહેવાસીઓને કારનો ઉપયોગ ન કરવા વિનંતી કરી


સમાચાર એજન્સી એપી અનુસાર મોસ્કોના મેયરે રહેવાસીઓને કારનો ઉપયોગ ન કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત  વેગનર જૂથના બળવાના કારણે સોમવારને મોટાભાગના લોકો માટે બિન-કાર્યકારી દિવસ જાહેર કર્યો હતો.


પ્રિગોઝિનનું બળવાખોર વલણ જોઈને, રશિયન સરકારે કડક સુરક્ષા પગલાં લીધાં હતા. જો કે આ સમયે રશિયાની રાજધાની મોસ્કોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. રશિયન સેનાના સૈનિકો શહેરના સંરક્ષણની તૈયારીમાં લાગેલા છે.


યેવજેની પ્રિગોઝિન વીડિયો શેર કર્યો હતો


 એક તરફ રશિયા યુક્રેન સામે ભયંકર યુદ્ધ ખેલી રહ્યું છે ત્યારે જ  રશિયામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રશિયાના પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન રાષ્ટ્રપતિ પુતિનને સત્તા પરથી હટાવવાના સપના જોઈ રહ્યા છે. પ્રિગોઝિને એક વીડિયો અને ઓડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે, તેમને દક્ષિણી શહેર રોસ્ટોવ-ઓન-ડોન પર નિયંત્રણ કરી લીધું છે. આ ઉપરાંત તેણે એવો પણ દાવો કર્યો છે કે,હવે તેની સેના રાજધાની મોસ્કો પર હુમલો કરવા આગળ વધી રહી છે.