PM Narendra Modi Egypt Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત બાદ શનિવારે ઈજિપ્તની રાજધાની કાહિરા પહોંચ્યા હતા. ઇજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મેડબૌલીએ તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીની આ બે દિવસીય સ્ટેટ વિઝિટ છે. તેઓ ઇજિપ્તના વડાપ્રધાન સાથે ગોળમેજી બેઠક કરશે અને રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે પણ મુલાકાત કરશે.
પીએમ મોદી જ્યારે કાહિરાની રિટ્ઝ કાર્લટન હોટલ પહોંચ્યા ત્યારે ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ઇજિપ્તમાં ઇન્ડિયન કોમ્યુનિટી એસોસિએશનના પ્રમુખ દીપ્તિ સિંહે કહ્યું હતું કે, અમે બધા કાહિરામાં પીએમ મોદીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. આજે વડાપ્રધાનને મળવા માટે લગભગ 300-350 લોકોને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે બે દાયકાથી ઇજિપ્તમાં રહેતા તોરલ મહેતા કહે છે કે, આજે આપણા બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે કારણ કે, અમે ઇજિપ્તની ધરતી પર પીએમ મોદીને જોવાના છીએ. હું ઘણા સમયથી અહીં રહું છું. તે મારા અને મારા દેશ માટે ઘણું સારું છે. મોદીજીના આગમનથી બંને દેશ ધરતી પર એક સાથે આવી ગયા છે.
જોકે ખાસ વાત એ છે કે, પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચેલી ઇજિપ્તની યુવતીએ હિન્દી ગીત ગાઈને સૌકોઈને ચોંકાવી દીધા હતાં. આ ઈજીપ્તની યુવતીએ બોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ શોલેનું હિટ સોંગ... "યે દોસ્તી હમ નહીં તોડેંગે' ગાયું હતું. જેને લઈને પીએમ મોદી પણ ગદગદ થઈ ગયા હતાં. આ યુવતીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, પીએમ મોદીએ તેને કહ્યું કે, તમે ભારતીય જેવા દેખાશો. આ સાંભળીને તે પણ અત્યંત સ્વયં બની ગઈ. પીએમ મોદીએ પણ યુવતીનું ગીત સાંભળીને તાળીઓ પાડી હતી. ઈજીપ્તની આ યુવતીઓ ભારતીય પરંપરાગત વેશભૂષામાં સજ્જ હતી.
ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, ગીત ગાતી છોકરી જેનાએ કહ્યું, 'PM મોદીને મળીને ખૂબ જ સારું લાગ્યું. તેણે મને પૂછ્યું કે શું હું ક્યારેય ભારત ગઈ છું, જેનો જવાબ મેં નામાં આપ્યો હતો. તેમણે મને પૂછ્યું કે હું હિન્દી ક્યાંથી શીખી છું, તો મેં કહ્યું કે, હું ભારતીય ફિલ્મો અને ગીતો સાંભળીને શીખી છું.
પીએમ મોદીની ઇજિપ્તની પ્રથમ મુલાકાત
ભારતીય રાજદૂત અજીત ગુપ્તે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી 25 તારીખ સુધી અહીં છે. અમે પહેલીવાર વડાપ્રધાન મોદી અને ઈજિપ્તના વડાપ્રધાન વચ્ચે ગોળમેજી બેઠક કરી રહ્યા છીએ. જાન્યુઆરી 2023માં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીની ભારતની સફળ મુલાકાત બાદ બંને દેશો વ્યૂહાત્મક ભાગીદારી સુધી સંબંધોને ઉન્નત કરવા સંમત થયા હતા. તેમના પરત ફર્યા બાદ ઇજિપ્તના રાષ્ટ્રપતિએ તેમની કેબિનેટમાં વરિષ્ઠ પ્રધાનોનો સમાવેશ કરીને એક વિશેષ ભારતીય એકમની રચના કરી અને તેમને ભારત સાથેના સંબંધો સુધારવા માટે કહ્યું હતું. માટે વડાપ્રધાન ભારતીય એકમ સાથે બેઠક કરશે.