Wagner Chief Died: રશિયાના મોસ્કોની ઉત્તરે એક ખાનગી જેટ ક્રેશમાં 10 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ વિદ્રોહ કરનારા વેગનર નેતા યેવજેની પ્રિગોઝિનનું નામ પણ પેસેન્જર લિસ્ટમાં સામેલ છે. સોશિયલ મીડિયા પર યેવજેની પ્રિગોઝિનના મૃત્યુનો દાવો કરવામાં આવી રહ્યો છે.


આ અકસ્માત મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે થયો હતો. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, જે વિમાન ક્રેશ થયું તે પ્રિગોઝિનનું હતું. પ્રિગોઝિને જૂનમાં રશિયન સશસ્ત્ર દળો સામે અસફળ બળવો કર્યો. પ્રિગોઝિને, રશિયન સંરક્ષણ મંત્રાલય પર વેગનર કેમ્પ પર મિસાઇલ હુમલો કરવાનો આરોપ મૂકતા, તેના સૈનિકોને મોસ્કો તરફ આગળ વધવાનો આદેશ આપ્યો. વેગનર સૈનિકોએ ત્યારબાદ દક્ષિણ રશિયન શહેર રોસ્ટોવ-ઓન-ડોનમાં લશ્કરી સુવિધા પર કબજો કર્યો. જો કે, બાદમાં યેવજેની પ્રિગોઝિને પોતાનો આદેશ પાછો ખેંચી લીધો હતો જેના પછી આ સંકટ ટળી ગયું હતું.






યેવજેની પ્રિગોઝિન કોણ?


યેવજેની પ્રિગોઝિન, જેઓ "પુતિનના રસોઈયા" તરીકે પ્રખ્યાત થયા હતો. તેનો જન્મ 1961માં લેનિનગ્રાડ (સેન્ટ પીટર્સબર્ગ)માં થયો હતો. માત્ર 20 વર્ષની ઉંમરે યેવજેની ઘણા કેસોમાં વોન્ટેડ બન્યો હતો અને તેના પર હુમલો, લૂંટ અને છેતરપિંડીનો આરોપ લાગ્યા હતાં. ત્યારબાદ કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ તેને 13 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જો કે તે 9 વર્ષમાં જ છૂટી ગયો હતો.


હોટડોગ સ્ટોલથી શરૂ થઈ યાત્રા 


જેલમાંથી છૂટ્યા બાદ પ્રિગોઝિને સેન્ટ પીટર્સબર્ગમાં હોટ ડોગ્સ વેચતો સ્ટોલ શરૂ કર્યો. આ ધંધો એટલો બધો ચાલી ગયો કે તેણે 90ના દાયકામાં શહેરમાં એક મોંઘી રેસ્ટોરન્ટ ખોલી નાખી. યેવજેની રેસ્ટોરન્ટ એટલી પ્રખ્યાત થઈ ગઈ કે, લોકો તેની બહાર લાઈનમાં રાહ જોવા લાગ્યા. જ્યારે લોકપ્રિયતા વધી તો રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોતે વિદેશી મહેમાનોને આ રેસ્ટોરન્ટમાં લઈ જવા લાગ્યા.


આ તે સમયગાળો હતો જ્યારે યેવગેની પુતિનની નજીક આવ્યો હતો. ત્યા બાદ યેવજેનીને સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. પ્રિગોઝિનની ભૂમિકા હંમેશા શંકાસ્પદ રહી છે અને તેણે લાંબા સમયથી કોઈપણ રાજકીય ભૂમિકાનો ઇનકાર કર્યો હતો. પરંતુ તેનો પ્રભાવ રાત્રિભોજનના ટેબલ સુધી પહોંચી ગયો હતો.


બનાવી પુતિનની શેડો આર્મી


લો પ્રોફાઇલ રહેનારો પ્રિગોઝિન વિદેશમાં પુતિનનો જમણો હાથ કહેવાતો હતો. આ દરમિયાન યેવજેનીએ ઘણા પૈસા કમાયા. રશિયન સૈન્ય સાથે મળીને યેવજેનીએ ખાનગી સૈન્યનું નેતૃત્વ કર્યું. પુતિને પણ પડદા પાછળ તેનો ઉપયોગ કર્યો. પછી ભલે તે અમેરિકાની ચૂંટણીમાં અવિશ્વાસ પેદા કરવાની છબી દ્વારા હોય કે પછી આફ્રિકા અને મધ્ય પૂર્વમાં યુદ્ધ લડી રહેલા ભાડૂતીઓની નિર્દયી ગેંગ તરીકેનો. પ્રિગોઝિન ગયા વર્ષે વેગનરના વડા તરીકે જાહેરમાં બહાર આવ્યો હતો. આ ભાડૂતી લડવૈયાઓને પુતિનની શેડો આર્મી તરીકે ઓળખવામાં આવે છે અને તેણે આફ્રિકામાં રશિયાના પ્રભાવને વધારવામાં મદદ કરી છે.


2017થી યેવજેનીના વેગનર જૂથે માલી, સુડાન, મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક, લિબિયા અને મોઝામ્બિકમાં લશ્કરી હસ્તક્ષેપ માટે સૈનિકો તૈનાત કર્યા છે. દરમિયાન, યેવજેનીના વેગનર જૂથે સમગ્ર ખંડમાં વ્યાપારી અને રાજકીય હિતોને અનુસર્યા છે, સંસાધનથી સમૃદ્ધ દેશોમાં ખાણો અને જમીન ભાડાપટ્ટો ખરીદ્યા છે. ગયા વર્ષે જાહેર કરાયેલા ગ્લોબલ ઇનિશિયેટિવ અગેઇન્સ્ટ ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના રિપોર્ટ અનુસાર, વેગનર હવે આફ્રિકામાં સૌથી પ્રભાવશાળી રશિયન જૂથ છે.


વેગનર ગ્રુપ શું છે?


વેગનર ગ્રૂપ એ ખાનગી લડવૈયાઓ દ્વારા રચાયેલ લશ્કર છે. તેણે યુક્રેન પર દેશના આક્રમણ દરમિયાન રશિયન સૈન્ય સાથે સેવા આપી હતી. 2014માં જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે ક્રિમિયન ક્ષેત્રને લઈને સંઘર્ષ થયો ત્યારે વેગનરની ખાનગી સેના સામે આવી હતી.