Israel Military Operation: ગાઝામાં તાજેતરમાં યુદ્ધવિરામ અમલમાં આવ્યાના બે દિવસ પછી ઇઝરાયલે પશ્ચિમ કાંઠાના જેનિન કેમ્પમાં એક મોટું લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. 'આયરન વૉલ' નામના આ ઓપરેશનમાં ઇઝરાયેલી સેનાએ અત્યાર સુધીમાં 10 પેલેસ્ટિનિયનોને મારી નાંખ્યા છે, જ્યારે 40 થી વધુ લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીને 'આતંકવાદને નાબૂદ કરવા' તરફનું નિર્ણાયક પગલું ગણાવ્યું છે.
વડાપ્રધાન નેતન્યાહૂના મતે, ''આયરન વૉલ'' ઓપરેશનનો ઉદ્દેશ્ય જેનિનમાં આતંકવાદને ખતમ કરવાનો છે. આ કામગીરીમાં ઇઝરાયલી સેના, પોલીસ અને સુરક્ષા એજન્સી શિન પેટ સામેલ છે. પશ્ચિમ કાંઠે વધતા તણાવ અને આતંકવાદી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
હમાસ અને ઇસ્લામિક જેહાદની પ્રતિક્રિયા
હમાસે પશ્ચિમ કાંઠાના લોકો અને ક્રાંતિકારી યુવાનોને ઇઝરાયેલી અભિયાન સામે સંઘર્ષને સંગઠિત અને તીવ્ર બનાવવા હાકલ કરી છે. ઇસ્લામિક જેહાદની સશસ્ત્ર પાંખ અલ કુદ્સ બ્રિગેડ્સે પણ ઇઝરાયલી સૈનિકો પર ગોળીબારની પુષ્ટિ કરી અને પશ્ચિમ કાંઠે ઇઝરાયલી અભિયાનનો પ્રતિકાર કરવાની હાકલ કરી.
જેનિન કેમ્પમાં ઇઝરાયેલી બૉમ્બમારો
પેલેસ્ટિનિયન સમાચાર એજન્સી વાફા અનુસાર, ઇઝરાયલી વિમાનોએ જેનિન પર બૉમ્બમારો કર્યો અને બખ્તરબંધ વાહનોએ શરણાર્થી શિબિરને ઘેરી લીધું. સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે કે એમ્બ્યૂલન્સને કેમ્પમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહી હતી. જેનિનમાં સશસ્ત્ર વાહનો અને બૂલડૉઝરનો ભારે જથ્થો તૈનાત જોવા મળ્યો છે.
ઇઝરાયેલી અભિયાનમાં 10 ના મોત
પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ લશ્કરી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 10 લોકો માર્યા ગયા છે, જેમાં 9 પુરુષો અને એક કિશોરનો સમાવેશ થાય છે. આ હુમલામાં 40 લોકો ઘાયલ થયા હતા, જેના કારણે વિસ્તારમાં તણાવ વધુ વધ્યો હતો.
વેસ્ટ બેન્કમાં વધતો સંઘર્ષ
ગાઝામાં તાજેતરમાં યુદ્ધવિરામ છતાં 'આયરન વૉલ' કામગીરીએ પશ્ચિમ કાંઠામાં પરિસ્થિતિને વધુ તંગ બનાવી દીધી છે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું છે. જેમ જેમ આ લશ્કરી કાર્યવાહી આગળ વધશે તેમ તેમ પશ્ચિમ કાંઠામાં પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે.
આ પણ વાંચો
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ