કરાચીઃ પાકિસ્તાનમાં શુક્રવારે થયેલી વિમાન દુર્ઘટનામાં 90થી વધુ લોકોના મોત થયા છે. દુર્ઘટનાની 60 સેંકડ પહેલા પાયલટની અંતિમ વાતચીત પ્રમાણે એન્જિનમાં ખરાબી આવી હતી. દુર્ઘટના એટલી ગંભીર હતી કે મૃતકોની ઓળખ પણ થઈ શકી નથી. કરાચી હોસ્પિટલના જણાવ્યા મુજબ માત્ર ત્રણ લોકોની ઓળખ થઈ શકી છે, બાકીનાનો DNA ટેસ્ટ થશે. હાલ આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

વિમાન લેન્ડિંગ માટે એરપોર્ટ નજીક પહોંચ્યું ત્યારે જ જિન્નાહ હાઉસિંગ સોસાયટી પર તૂટી પડ્યું હતું. જેના કારણે મકાનોને પણ મોટા પાયે નુકસાન થયું હતું.  વિમાન જ્યાં પડ્યું ત્યાં મકાનોની હારમાળા હતી અને નાના રસ્તા હોવાથી બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી.


સ્વાસ્થ્ય મંત્રી અજરા પેચુહોએ કહ્યું, તમામ મૃતકો વિમાનમાં સવાર હતા તે જ છે કે આ વિસ્તારના રહેવાસી છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. કોવિડ-19ના કારણે અમે પહેલાથી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે આ દુર્ઘટનામાં ખરેખર કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ જાણી શકાયું નથી.

ઈધી કલ્યાણ ટ્રસ્ટના ફૈઝલ ઈધીએ કહ્યું, ક્રેશ લેન્ડિંગ વખતે વિમાનના પાંખીયા ઘર સાથે ટકરાયા હતા અને બાદમાં વિમાન તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 25 મકાનોને નુકસાન પહોંચ્યું છે.