Pm Modi Video Viral in Pakistan : પાકિસ્તાન હાલ કંગાળ થવાના આરે છે. મોંઘવારીએ હદે વકરી છે કે, લોકોએ લોટ માટે ફાં ફાં મારવા પડી રહ્યું છે. ખુદ વડાપ્રધાન અને આર્મી ચીફે દુનિયાના એક એક દેશમાં ભટકીને ભીખ માંગવી પડી રહી છે. જેને લઈને વડાપ્રધાન શાહબાઝ શરીફનું દર્દ તો છલકાયું જ છે પરંતુ સાથો સાથ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર્ મોદીના એક નિવેદનને લઈને પન ભારે ચર્ચા થઈ રહી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે કહ્યું હતું કે, પરમાણુ શક્તિ ધરાવતા દેશ માટે શરમજનક બાબત છે કે તેને આર્થિક મદદની ભીખ માંગવી પડે છે. શરીફના કહેવા પ્રમાણે તે તેમના માટે શરમજનક છે કે, તેણે મિત્રો પાસેથી વધુ લોન માંગવી પડે છે. આ સાથે એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશ માટે દેવું એ કાયમી ઉકેલ નથી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (PTI) દ્વારા એક ફની ક્લિપ શેર કરવામાં આવી રહી છે. આ ક્લિપ ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે સંબંધિત છે અને આ દેશની સ્થિતિનું વર્ણન કરે છે.
પીએમ મોદીની ક્લિપના બહાને શાહબાઝ સરકાર પર તાક્યું નિશાન
ઈમરાનની પાર્ટી દ્વારા જે ક્લિપ શેર કરવામાં આવી રહી છે જેમાં પીએમ મોદી એમ કહેતા સંભળાઈ રહ્યાં છે કે, અમે પાકિસ્તાનનો તમામ ઘમંડ ચકનાચૂર કરી દીધો છે. તેને કટોરો લઈને દુનિયાભરમાં ફરવાની ફરજ પડી છે. મજાની વાત એ છે કે ઈમરાન આ ક્લિપના બહાને શાહબાઝ અને તેમની સરકારને અરીસો બતાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જ્યારે વર્ષ 2019માં ઈમરાન પોતે સત્તામાં હતા અને તે દરમિયાન જ પીએમ મોદી ચૂંટણી રેલીમાં પાકિસ્તાનની વાસ્તવિકતા કહી રહ્યા હતા.
સતત વણસેલા સંબંધો
વર્ષ 2019 ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનું કદાચ સૌથી વધુ તંગ વર્ષ હતું. ફેબ્રુઆરી 2019માં પુલવામામાં આતંકી હુમલો થયો હતો જેમાં 45 CRPF જવાનો શહીદ થયા હતા. આ હુમલાના 12 દિવસ બાદ એટલે કે 26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી. આ હવાઈ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત એ જ વર્ષે જ્યારે ભારતે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો ખતમ કર્યો હતો અને ત્યાર બાદ તણાવ વધ્યો હતો.
પાકિસ્તાન જોઈ રહ્યું છે મદદની રાહ
હાલમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની મદદની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. આર્થિક સંકટ વચ્ચે પીએમ શરીફે લાહોરમાં મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (PAS)ના એક કાર્યક્રમમાં શરીફે લોન માંગવા બદલ શરમ વ્યક્ત કરી હતી. શરીફે કહ્યું હતું કે, આ ખૂબ જ અફસોસની વાત છે કે આઝાદીના 75 વર્ષ પછી ઘણી સરકારો આવી પરંતુ દેશની સ્થિતિ બદલાઈ નથી. રાજકીય નેતૃત્વ કે લશ્કરી સરમુખત્યારશાહી આર્થિક પડકારોને પાર કરી શકી નથી.
લોન લેવીએ દેવાનો કાયમી ઉકેલ નથી : PM શાહબાઝ
શાહબાઝના મતે વિદેશી લોન એ કાયમી ઉકેલ નથી કારણ કે તેને ચૂકવવી પડે છે. પાકિસ્તાન અત્યારે સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જો ફુગાવો 21 થી 23 ટકાની વચ્ચે હોય તો રાજકોષીય ખાધ 115 ટકાને વટાવી ગઈ છે. દેશને માત્ર સાઉદી અરેબિયા અને UAE તરફથી 350 અબજ રૂપિયાની મદદ મળી રહી છે.