- વ્હાઇટ હાઉસે સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ઈરાન વિરુદ્ધ કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું નથી.
- 7 એપ્રિલ, 2026ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનની 'સભ્યતા ખતમ' કરવાની ધમકી આપતા વિશ્વભરમાં પરમાણુ યુદ્ધનો ફફડાટ ફેલાયો હતો.
- ટ્રમ્પે ઈરાનમાં 47 વર્ષના ભ્રષ્ટાચાર અને મોતના ચક્રનો અંત આવવાની વાત કરી હતી, પરંતુ વ્હાઇટ હાઉસના તાજા નિવેદને પરમાણુ હુમલાની તમામ આશંકાઓ ફગાવી દીધી છે.
white house iran nuclear denial: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયંકર તણાવ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 'સભ્યતાનો નાશ' કરવાની ધમકી બાદ આખી દુનિયામાં એવો ડર ફેલાયો હતો કે શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો (Nuclear Attack) કરવાની તૈયારી કરી રહ્યું છે? જોકે, હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન 'વ્હાઇટ હાઉસ' દ્વારા એક મોટું અને સત્તાવાર નિવેદન બહાર પાડીને આ આખી પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા ઈરાન સામે કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું નથી.
વોશિંગ્ટનથી મળતા અહેવાલો મુજબ, હાલમાં અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માહોલ વચ્ચે મંગળવારે (7 એપ્રિલ, 2026) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને ઈરાનને સીધી ધમકી આપી હતી. તેમના આકરા શબ્દો બાદ વૈશ્વિક સ્તરે એવો હોબાળો મચી ગયો હતો કે ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકી શકે છે. પરંતુ, વ્હાઇટ હાઉસના તાજા નિવેદને આ અટકળો પર પાણી ફેરવી દીધું છે અને દુનિયાને મોટી રાહત આપી છે કે પરમાણુ હથિયારોનો કોઈ ઉપયોગ થવાનો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વ્હાઇટ હાઉસનું આ નિવેદન ટ્રમ્પની એ પોસ્ટના થોડા સમય બાદ જ આવ્યું છે, જેમાં તેમણે વિનાશની વાત કરી હતી. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, "આજે રાત્રે એક આખી સભ્યતા કાયમ માટે ખતમ થઈ શકે છે, જેને ક્યારેય પાછી લાવી શકાશે નહીં. હું બિલકુલ નથી ઈચ્છતો કે આવું થાય, પરંતુ કમનસીબે આ શક્ય છે."
પોતાની ધમકીભરી પોસ્ટમાં વધુમાં ટ્રમ્પે લખ્યું હતું કે, "જોકે, હવે સત્તા પૂરી રીતે બદલાઈ ગઈ છે અને ઓછા કટ્ટરપંથી, વધુ સમજદાર અને બુદ્ધિશાળી લોકોના હાથમાં છે, તો કદાચ કંઈક ક્રાંતિકારી અને સકારાત્મક બની શકે છે. કોણ જાણે? આજે રાત્રે આપણે દુનિયાના સૌથી લાંબા અને જટિલ ઈતિહાસની એક દુર્લભ ક્ષણના સાક્ષી બનીશું. આખરે 47 વર્ષના ભ્રષ્ટાચાર, જબરદસ્તી અને મોતના ચક્રનો અંત આવી રહ્યો છે. ભગવાન ઈરાનના મહાન લોકોનું રક્ષણ કરે."
