who is wagner Army: રશિયાની ખાનગી સેના વેગનેરે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હટાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. રાષ્ટ્રપતિ પુતિનની પ્રાઈવેટ આર્મી કહેવાતા વેગનર ગ્રુપે જ વિદ્રોહનું બ્યુગલ વગાડ્યા બાદ ઘણા શહેરો કબજે કર્યા છે. વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિનને પુતિનની સત્તા ઉથલાવી દેવાની જાહેરાત કરી અને મોસ્કો તરફ કૂચ કરી છે. વેગનર ચીફે બખ્મુત શહેર કબજે કરવાનો દાવો કર્યો છે. ચીફ એવો પણ દાવો કરે છે કે તેમની સેના બોસ્તોવ તરફ આગળ વધી રહી છે. ઓડિયો સંદેશમાં જણાવ્યું હતું કે તે અને તેમનું જૂથ આગળ વધી રહ્યું છે અને અંત સુધી આગળ વધતું રહેશે. જે કોઈ અમારા માર્ગમાં આવશે તેનો નાશ કરવામાં આવશે તેવી ધમકી આપી હતી. 


તો બીજી તરફ,રશિયન સેનાએ સુરક્ષા વધારી દીધી છે અને રસ્તા પર કોમ્બેટ ટેન્ક ઉતારી છે. પુતિને વિદ્રોહી જૂથ વેગનરને ચેતવણી આપી છે. ફેબ્રુઆરી 2022 માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી આ ઘટનાક્રમને રાષ્ટ્રપતિ પુતિન માટે સૌથી આક્રમક પડકાર તરીકે જોવામાં આવે છે.


વેગનર જૂથ શું છે અને તેઓ શા માટે લડી રહ્યા છે?


વેગનર જૂથ રશિયન-યુક્રેનિયન યુદ્ધ દરમિયાન ચર્ચામાં આવ્યું હતું. વાસ્તવમાં, આ જૂથ પુતિનની સંમતિથી જ રચાયું હતું. ભયાનક લડવૈયાઓનું આ જૂથ યુક્રેનમાં 2014 માં રશિયા તરફી દળોના સમર્થનમાં બનાવવામાં આવ્યું હતું. આ જૂથના વડા રાષ્ટ્રપતિ પુતિનના રસોઈયા હતા. તેણે જેલમાં રહેલા ભયજનક ગુનેગારોને પસંદ કરીને આવી ખાનગી સેનાની રચના કરી, જેણે યુદ્ધ દરમિયાન યુક્રેનના ઘણા શહેરો પર કબજો કર્યો. જો કે, આ અગાઉ તે આફ્રિકા અને મધ્ય પૂર્વીય પ્રદેશોમાં કાર્યરત ગુપ્ત સંસ્થા હતી. વેગનર ગ્રૂપ પાસે રશિયાની ચુનંદા રેજિમેન્ટ્સ અને વિશેષ દળોના 5,000 લડવૈયા હોવાનો અંદાજ છે. વેગનર ગ્રુપ તેની ક્રુરતા અને નિર્મમતા માટે જાણીતું છે. યુક્રેન યુદ્ધ દરમિયાન આ વર્ષે જાન્યુઆરીમાં ડોનેત્સ્ક પ્રદેશ પર કબજો કરવાનો શ્રેય તેમને જ જાય છે.


ડિસેમ્બરમાં,યુ.એસ.નું માનવું હતું કે વેગનર ગ્રૂપ પાસે યુક્રેનની અંદર અંદાજે 50,000 લડવૈયાઓ હતા, જેમાં 10,000 કોન્ટ્રાક્ટ પર રાખેલા અને 40,000 રશિયન જેલના ગુનેગારો સામેલ હતા. રશિયાએ રશિયન લશ્કરી કાર્યવાહીમાં વેગનર જૂથની ભૂમિકાને નકારી કાઢી છે. જો કે, એક રશિયન થિંક ટેન્કે સ્પષ્ટ કર્યું કે વેગનર રશિયન રાજ્ય સાથે સંબંધ ધરાવે છે. 2014 અને 2015માં યુક્રેનમાં રશિયાના ઓપરેશનમાં મોટી ભૂમિકા ભજવી હતી.


વેગનર ગ્રૂપે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં ગૃહ યુદ્ધ તેમજ લિબિયામાં લશ્કરી વિમાન મોકલ્યા હોવાનું માનવામાં આવે છે. વેગનર પર નાગરિકોની હત્યા કરવાનો, સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકો પર હુમલો કરવાનો અને અસંખ્ય અત્યાચાર કરવાનો આરોપ હતો જેમાં નિઃશસ્ત્ર લોકોની હત્યાનો કરવાનો પણ સમાવેશ થાય છે. યુનાઇટેડ સ્ટેટ્સે આ જૂથને એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠન તરીકે નિયુક્ત કર્યું જેણે 'વ્યાપક માનવાધિકારોનું ઉલ્લંઘન' કર્યું.