નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં 83 હજાર લોકોના મોત થયા છે. લગભગ 14 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમા આવી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને દેશને આપવામાં આવતા આર્થિક ફંડને ઘટાડવાની ધમકી આપી છે. જેના પર ડબલ્યૂએચઓએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી જવાબ આપ્યો હતો. ડબલ્યૂએચઓના ડિરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમ ગેબ્રિયેસસે કહ્યું કે, કોરોના વાયરસના રાજકારણથી ક્વોરેન્ટાઇન રહો. વિચારધારા અને ધાર્મિક મતભેદોથી ઉપર ઉઠો. કોરોના પર રાજકારણ ના કરો. આ આગથી રમવા જેવું છે.

તેમણે કહ્યું કે, જ્યાં તિરાડ હોય છે ત્યાં વાયરસ ઘૂસીને આપણને હરાવી શકે છે. કોઇ દેશની વ્યવસ્થા ગમે તેવી સારી હોય પરંતુ રાષ્ટ્રીય એકતા વિના તે ખતરામાં હશે. રાજકીય પક્ષો પાસે પોતાને સિદ્ધ કરવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દા હશે. મહેરબાની કરીને આ વાયરસને રાજનીતિ માટેનું હથિયાર ન બનાવો.

નોંધનીય છે કે ટ્રમ્પે કોરોના વાયરસની મહામારી દરમિયાન ડબલ્યૂએચઓ પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકન રાષ્ટ્રપતિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે,ડબલ્યૂએચઓને આપવામાં આવી ફંડિંગ પર  હવે કે મજબૂત પક્કડ રાખશે.