Los Angeles Wildfire: અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના જંગલમાં લાગેલી આગને કારણે લોસ એન્જલસ શહેરનો મોટો ભાગ બળીને રાખ થઈ ગયો છે. આગમાં મોટી સંખ્યામાં ઘરો, શાળાઓ અને ધાર્મિક સ્થળો નાશ પામ્યા છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, બે દિવસ પછી પણ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં લાગેલી આગ કાબૂમાં આવવાના કોઈ સંકેત મળ્યા નથી. આગ સતત વધી રહી છે. અધિકારીઓએ અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટી કરી છે અને આ સંખ્યા વધી શકે છે. દરમિયાન, આગથી પ્રભાવિત શહેરમાં લૂંટફાટ શરૂ થઈ હોવાના અહેવાલો છે.
લોસ એન્જલસના ઇતિહાસમાં સૌથી વિનાશક આગ
યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડને તેને લોસ એન્જલસ (LA) ના ઇતિહાસમાં સૌથી વિનાશક આગ ગણાવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના પશ્ચિમ ભાગમાં સાંતા મોનિકા અને માલિબુ વચ્ચે પેલિસેડ્સ આગ અને પૂર્વમાં પાસાડેના નજીક ઇટનની આગે અત્યાર સુધીમાં લગભગ 28,000 એકર વિસ્તારને પોતાની ઝપેટમાં લઇ લીધો છે. મોટાભાગનો વિસ્તાર રાખમાં ફેરવાઈ ગયો છે. આગની ભયાનકતા વચ્ચે લોસ એન્જલસથી શરમજનક સમાચાર આવી રહ્યા છે.
લૂંટારુઓ ખાલી ઘરોને નિશાન બનાવી રહ્યા છે
આગને કારણે હજારો રહેવાસીઓએ પોતાના ઘર ખાલી કર્યા હતા. જેના કારણે લૂંટારુઓએ ખાલી ઘરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. લૂંટફાટની ઘટનાઓ એટલી વધી ગઈ કે અધિકારીઓને ચેતવણી આપવી પડી હતી. "કટોકટીના આ સમયમાં, આપણે બધાએ જોયું છે કે વ્યક્તિઓ ઘરફોડ ચોરી અને લૂંટ ચલાવીને લોકોને નિશાન બનાવે છે," LA કાઉન્ટીના અધિકારી કેથરિન બાર્ગરે AFPને કહ્યું હતું કે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
અધિકારીઓએ લૂંટારાઓને ચેતવણી આપી
લૂંટારાઓને ચેતવણી આપતા તેમણે કહ્યુ હતું કે “હું તમને વચન આપું છું કે તમને જવાબદાર ઠેરવવામાં આવશે. આ કટોકટીના સમયમાં આપણા રહેવાસીઓનો શિકાર કરનારાઓને શરમ આવવી જોઈએ. બાર્ગરે જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને હજારો ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. લગભગ ૧,૮૦,૦૦૦ લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.
આગ હજુ પણ ખતરનાક છે
લોસ એન્જલસ કાઉન્ટી ફાયર ચીફ એન્થોની માર્રોને જણાવ્યું હતું કે ઇટનની આગ મોટાભાગે કાબૂમાં આવી ગઈ છે, જોકે તે હજુ પણ ભીષણ છે. દરમિયાન, અઠવાડિયાની શરૂઆતમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો થોડા ધીમા પડી ગયા છે, જેના કારણે જમીન પરના ક્રૂને સહાય મળી રહી છે. "મંગળવાર અને બુધવાર કરતાં પરિસ્થિતિ સારી છે," રોઇટર્સે માર્રોનને ટાંકીને જણાવ્યું હતું. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે દિવસભર 95 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને રહેવાસીઓએ સ્થળાંતર કરવા માટે તૈયાર રહેવું જોઈએ.