નવી દિલ્હીઃ વિશ્વમાં સૌથી વધારે ઉંમરના શરીરથી જોડાયેલા જોડિયા ભાઈઓનુ ચાર જુલાઈએ નિધન થયું હતું. તેઓ 68 વર્ષના હતા. રોની અને ડોની ગેલયનનો જન્મ 28 ઓક્ટોબર, 1951ના રોજ ઓહિયોના બ્રેવરક્રિકમાં થયો હતો. 2014માં 63 વર્ષની ઉંમર થવાની સાથે જ તેમણે સૌથી વધારે સમય સુધી શરીરથી જોડાયેલા જોડિયાનો રેકોર્ડ બનાવી લીધો હતો. બંને ભાઈઓ પેટથી જોડાયેલા હતા.


ડબલ્યૂએચઆઈઓના રિપોર્ટમાં તેના ભાઈ જિમે કહ્યું કે, બંનેનું ડેટનના એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં નિધન થયું છે. મોન્ટગોમેરી કાઉન્ટી કોરોનરે કહ્યું, તેમનું મોત પ્રાકૃતિક હતું. ટીએસલીએ 2010માં આ જોડિયા ભાઈઓ પર એક ડોક્યુમેન્ટ્રી પણ પ્રસારિત કરી હતી. બંને ભાઈઓ કાર્નિવલ અને સર્કસમાં પણ હિસ્સો લેતા હતા, જ્યાં તેઓ સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

જિમ ગેલયને કહ્યું કે, તેમના વેતનથી વર્ષો સુધી ઘર પણ ચાલ્યું. બંનેએ 1991માં કામ કરવાનું બંધ કરી દીધું અને 2010 સુધી એકલા રહ્યા. જે બાદ સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીના કારણે પરિવાર સાથે રહેવાનું શરૂ કર્યુ હતું.