Pakistan mosque blast: પાકિસ્તાનના પેશાવરની એક મસ્જિદમાં નમાજ દરમિયાન થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક 100ને વટાવી ગયો છે. આ બ્લાસ્ટમાં ઘાયલોની સંખ્યા 200થી વધુ છે. માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.
આ વિસ્ફોટે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. આ આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ઘણા પોલીસ અને સેનાના અધિકારીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં મોટાભાગના પોલીસકર્મીઓ હોવાનું કહેવાય છે. આતંકી સંગઠન TTPએ આ હુમલાની જવાબદારી લીધી છે.
આ ઘટના બાદ આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાનને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. પેશાવર બ્લાસ્ટ બાદ શોક વ્યક્ત કરતા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે ભારતમાં પણ પૂજા કરતી વખતે ભક્તોની હત્યા કરવામાં આવતી નથી. નેશનલ એસેમ્બલીમાં હુમલા પર બોલતા આસિફે કહ્યું હતું કે જે રીતે આપણા દેશમાં (પાકિસ્તાન) દરરોજ નમાજ પર આતંકી હુમલા થાય છે. ભક્તો પર આવા હુમલા ભારત કે ઈઝરાયેલમાં ક્યારેય થતા નથી.
પાકિસ્તાન આતંકવાદ સામે લડશે
સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે હવે આતંકવાદ સામે લડવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે આપણે આપણા ઘર (પાકિસ્તાન)ને સુધારવાની જરૂર છે. જો કે આ પહેલા પણ ઘણી વખત જાહેર મંચો પર ભારતે આતંકવાદ પર પાકિસ્તાનના જુઠ્ઠાણા સાંભળ્યા છે, પરંતુ પાકિસ્તાન હંમેશા આતંકવાદીઓને સમર્થન કરતું રહ્યું છે. હવે જ્યારે પેશાવરમાં ભયાનક વિસ્ફોટ થયો છે, ત્યારે પાડોશી દેશ આતંકવાદ વિરુદ્ધ યુદ્ધ લડવા પર ભાર આપી રહ્યો છે.
તહરીક-એ-તાલિબાને જવાબદારી લીધી
ઉલ્લેખનીય છે કે, તહરીક-એ-તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છે. TTP એ વિસ્ફોટ પછી એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેઓએ ગયા વર્ષે ઓગસ્ટમાં તેમના નેતા ઉમર ખાલિદ ખુરાસાનીની હત્યાનો બદલો લીધો છે. નોંધનીય છે કે ઉમર ખાલિદ ખુરાસાનીનું મૃત્યુ ઓગસ્ટ 2022માં અફઘાનિસ્તાનમાં થયું હતું જ્યારે તેમની કારને નિશાન બનાવીને બ્લાસ્ટ થયો હતો. જેમાં ખોરાસાની સહિત 3 લોકોના મોત થયા હતા.